
કોલકતા, નવી દિલ્હી, 06 મે (હિ.સ.). ભારત નિર્વાચન આયોગે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ થઈ રહેલી હિંસા અને તોડફોડની ઘટનાઓને લઈને કડક નિર્દેશો જારી કર્યા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું છે કે હિંસામાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોલકતાના ન્યૂટાઉન વિસ્તારમાં મંગળવારે મધુ મંડલ નામના ભાજપ કાર્યકરની માર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ પરિવારજનો અને સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
જાણકારી અનુસાર, ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી હિંસા અને તોડફોડની ફરિયાદો સામે આવી રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્ય ચૂંટણી કમિશનરે રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક, કોલકાતા પોલીસ કમિશનર અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના મહાનિર્દેશકને જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યા છે.
આ સાથે જ તમામ જિલ્લા કલેક્ટરો, પોલીસ અધિક્ષકો અને અન્ય પોલીસ અધિકારીઓને સતત પેટ્રોલિંગ કરવા અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે, ચૂંટણી પછી થતી કોઈપણ પ્રકારની હિંસા સામે 'ઝીરો ટોલરન્સ' (શૂન્ય સહિષ્ણુતા) ની નીતિ અપનાવવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિમન્યુ ગુપ્તા / ગંગા / સંજીવ પાશ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ