
નવી દિલ્હી, 06 મે (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જણાવ્યું હતું કે, ભારત અને વિયેતનામના સંબંધો હવે બહેતર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના નવા તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે અને બંને દેશો સાથે મળીને વિકાસ અને સમૃદ્ધિની દિશામાં આગળ વધશે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, “આપણે સાથે ચાલીશું, સાથે વધીશું અને સાથે જીતીશું.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ તો લામ વચ્ચે બુધવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય વાટાઘાટો બાદ ભારત અને વિયેતનામે પોતાના સંબંધોને બહેતર વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર સુધી વધારવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ વેપાર, સંરક્ષણ, જોડાણ અને વ્યૂહાત્મક સહયોગને નવી ગતિ આપવાનો સંકલ્પ પણ લીધો હતો.
વડાપ્રધાન મોદીએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ તો લામની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે મજબૂત થઈ રહેલા સંબંધો અને પરસ્પર પ્રાથમિકતાને દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે આ ભાગીદારી હવે વધુ ઊંચા લક્ષ્યો તરફ આગળ વધશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત-વિયેતનામ વચ્ચેનો વેપાર છેલ્લા દાયકામાં બમણો થઈને 16 અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. હવે બંને દેશોએ તેને 2030 સુધીમાં 25 અબજ ડોલર સુધી લઈ જવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. દવાઓ, કૃષિ, મત્સ્યઉદ્યોગ અને પશુ ઉત્પાદનોની નિકાસને પ્રોત્સાહન આપવા માટે અનેક કરારો પર સહમતિ સધાઈ છે. ખૂબ જ ટૂંક સમયમાં, વિયેતનામ ભારતના દ્રાક્ષ અને દાડમનો તેમજ આપણે વિયેતનામના ડુરિયન અને પોમેલોનો સ્વાદ માણીશું.
બંને દેશોએ નાણાકીય સહયોગ વધારવા અંતર્ગત ભારતના યુપીઆઈ અને વિયેતનામના ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમને જોડવા પર સહમતિ વ્યક્ત કરી હતી. સાથે જ હવાઈ જોડાણ, રાજ્ય-થી-રાજ્ય અને શહેર-થી-શહેર સહયોગને પણ વધારવામાં આવશે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, વિયેતનામ ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી અને વિઝન સાગરનો એક મુખ્ય સ્તંભ છે. બંને દેશોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ-આધારિત વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ અને સુરક્ષા સહયોગ મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. વિયેતનામના સહયોગથી ભારત, આસિયાન સાથેના પોતાના સંબંધોને પણ વધુ વ્યાપક બનાવશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત અને વિયેતનામ વચ્ચે ઊંડા સભ્યતાલક્ષી અને સાંસ્કૃતિક સંબંધો છે. ચંપા સભ્યતાના મંદિરોના સંરક્ષણ અને પ્રાચીન હસ્તપ્રતોના ડિજિટાઈઝેશન જેવા પગલાં આ વિરાસતને આગળ વધારશે.
વડાપ્રધાને, પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરવા અને આતંકવાદ વિરુદ્ધ ભારતની સાથે ઊભા રહેવા બદલ વિયેતનામનો આભાર વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું હતું કે, વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે ભારત અને વિયેતનામ ઝડપથી ઉભરી રહેલા અર્થતંત્રો છે અને નવી વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા બંને દેશો એકબીજાના વિકાસમાં મદદરૂપ બનશે.
વડાપ્રધાન મોદીએ અંતમાં બુદ્ધના ઉપદેશોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, એકબીજાના વિકાસમાં સહયોગ કરવો એ જ બંને દેશોની સહિયારી પ્રગતિનો માર્ગ છે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / જીતેન્દ્ર તિવારી
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ