અકસ્માતો અટકાવવા આરટીઓ મહેસાણાની વિશેષ ઝુંબેશ : ખેડૂતોના વાહનો પર લગાવાયા રેડિયમ રિફ્લેક્ટર
-વડનગર APMC નજીક માર્ગ સલામતી અંગે ખેડૂતોને કરાયા જાગૃત, “સુરક્ષિત સફર સુરક્ષિત મહેસાણા”નો સંદેશ મહેસાણા,06 મે (હિ.સ.) મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ અટકાવવા અને વાહનચાલકોમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે આરટીઓ મહેસાણા દ્વારા વિશેષ અભિય
અકસ્માતો અટકાવવા RTO મહેસાણાની વિશેષ ઝુંબેશ : ખેડૂતોના વાહનો પર લગાવાયા રેડિયમ રિફ્લેક્ટર


-વડનગર APMC નજીક માર્ગ સલામતી અંગે ખેડૂતોને કરાયા જાગૃત, “સુરક્ષિત સફર સુરક્ષિત મહેસાણા”નો સંદેશ

મહેસાણા,06 મે (હિ.સ.) મહેસાણા જિલ્લામાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ અટકાવવા અને વાહનચાલકોમાં સલામતી અંગે જાગૃતિ લાવવા માટે આરટીઓ મહેસાણા દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડનગર APMC નજીક યોજાયેલી આ ઝુંબેશ દરમિયાન ખેતીવાડીમાં ઉપયોગમાં લેવાતા વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા તેમજ ખેડૂતોને માર્ગ સલામતી અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેક્ટર, ટ્રોલી અને અન્ય ખેતીવાડી વાહનો રાત્રિના સમયે પૂરતા પ્રકાશ કે રિફ્લેક્ટર વિના રસ્તા પર દોડતા હોવાથી અકસ્માતોની શક્યતા વધી જાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આરટીઓ વિભાગ દ્વારા ખેડૂતોના વાહનો પર ખાસ રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની કામગીરી કરવામાં આવી હતી જેથી રાત્રિના સમયે વાહનો દૂરથી સ્પષ્ટ દેખાઈ શકે.

અભિયાન દરમિયાન અધિકારીઓએ ખેડૂતોને ટ્રાફિક નિયમોનું પાલન, ઓવરલોડિંગ ન કરવું, રાત્રે રિફ્લેક્ટર અને લાઇટનો ઉપયોગ કરવો સહિતના મુદ્દાઓ અંગે જાગૃત કર્યા હતા. આરટીઓ વિભાગે “સુરક્ષિત સફર, સુરક્ષિત મહેસાણા”નો સંદેશ આપીને દરેક વાહનચાલકને માર્ગ સલામતીમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

આ કામગીરીને સ્થાનિક ખેડૂતો અને વાહનચાલકોએ આવકારી હતી. માર્ગ સલામતી માટે આરટીઓ દ્વારા લેવામાં આવેલી પહેલને લોકોએ પ્રશંસા પાઠવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande