
પાટણ, 06 મે (હિ.સ.)ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2026માં લેવાયેલી ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ બુધવારે સવારે 8 વાગ્યે ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું. પાટણ જિલ્લાનું કુલ સરેરાશ પરિણામ 83.27 ટકા નોંધાયું છે. વિદ્યાર્થીઓએ વેબસાઈટ અને વોટ્સએપ દ્વારા સીટ નંબર દાખલ કરી પરિણામ મેળવ્યું, જ્યારે શાળાઓએ ઈન્ડેક્સ નંબરથી માર્કશીટ ડાઉનલોડ કરી.
જિલ્લામાં કુલ 15,107 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 366 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું. ઉપરાંત 1395 વિદ્યાર્થીઓએ A2, 2109એ B1, 3108એ B2, 3527એ C1, 1912એ C2 અને 162 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે. E1 ગ્રેડમાં એક પણ વિદ્યાર્થી નોંધાયો નથી.
પાટણ જિલ્લાના 22 કેન્દ્રોમાંથી વડાવલી કેન્દ્રે સૌથી વધુ 96.95 ટકા પરિણામ નોંધાવ્યું, જ્યારે શંખેશ્વરનું પરિણામ સૌથી ઓછું 65.64 ટકા રહ્યું. અન્ય કેન્દ્રોમાં ચવેલી (95.38%), રણુજ (94.88%), ભીલવાન (93.87%), ડેર (92.84%), કોઇટા અને વાયડ (91.51%) સહિતના સારા પરિણામો નોંધાયા છે.
ગત વર્ષોની સરખામણી કરીએ તો 2024માં 83.00 ટકા, 2025માં 80.12 ટકા અને 2026માં 83.27 ટકા પરિણામ નોંધાયું છે, જે જિલ્લામાં સુધારો દર્શાવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ