
સુરત, 06 મે (હિ.સ.) સુરત શહેરમાં સંબંધોને શરમાવે તેવી વધુ એક ઘટના સામે આવી છે. પરિવારજનોની મદદના બહાને સાવકા ભત્રીજાએ જ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો ગંભીર આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરમાં રહેતી મહિલાના પતિ લાંબા સમયથી બિમાર રહેતા હતા. આ દરમિયાન પરિવારનો ઓળખીતો અને મહિલાનો સાવકો ભત્રીજો કેતન ધર્મેંદ્ર પ્રજાપતિ મદદ કરવા માટે સતત તેમના ઘરે આવતો જતો હતો. આરોપી કેતન સિંગણપોર રોડ વિસ્તારની જે.કે.પી.નગર સોસાયટી સ્થિત કબીર આશીષ એપાર્ટમેન્ટમાં રહે છે.
ફરિયાદ અનુસાર માર્ચ 2025 દરમિયાન મહિલાના પતિ કામ પર ગયેલા હતા ત્યારે સાંજના સમયે મહિલા પોતાના ઘરના બાથરૂમમાં નાહવા ગઈ હતી. બાથરૂમનો દરવાજો ખુલ્લો હોવાથી આરોપી કેતન ઘરમાં પ્રવેશી મહિલાને તેની જાણ બહાર નાહતી હાલતમાં જોતો રહ્યો હતો. મહિલાએ આ બાબતે વિરોધ નોંધાવી પતિને વાત કરી દેશે તેમ કહેતા આરોપીએ “તું મને ખૂબ ગમે છે” કહી જબરદસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો.
એટલું જ નહીં, જો આ અંગે કોઈને જાણ કરશે તો તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાદમાં મહિલાના પતિએ તેને છૂટાછેડા આપી દીધા હતા. ત્યારબાદ આરોપી મહિલાને પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં પણ તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધતો રહ્યો હતો. આરોપીના ડર અને પરિવારની આબરૂના ભયને કારણે મહિલા લાંબા સમય સુધી મૌન રહી હતી. આખરે મહિલાએ હિંમત કરીને સમગ્ર મામલે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે 5 મે 2026ના રોજ ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે