જામનગરના ગાડુકામાંથી રૂ.2 લાખના ગાંજાના જથ્થા સાથે પ્રૌઢ ઝડપાયા
જામનગર, 12 જૂન (હિ.સ.) : ગુજરાત રાજ્યમાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને તેના વેચાણને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા હાલ એક સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝની એન્ટી નાર્કોટિક્
ગાંજો


જામનગર, 12 જૂન (હિ.સ.) : ગુજરાત રાજ્યમાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી અને તેના વેચાણને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર દ્વારા હાલ એક સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ એન્ડ રેલ્વેઝની એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની રાજકોટ ઝોન હેઠળની જૂનાગઢ વિંગની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે. જામનગર જિલ્લાના ગાડુકા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખીને તેનું છૂટક વેચાણ કરતા એક શખ્સને પોલીસની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ જુવાનસિંહ દિપસિંહ જાડેજા (ઉંમર વર્ષ ૫૧, રહેવાસી. ગામ ગાડુકા, જામનગર) તરીકે થઈ છે.

આ સફળ કામગીરી એસપી લોકેશ યાદવની ખાસ સૂચના અને માર્ગદર્શન હેઠળ એએનટીએફ જૂનાગઢ વિંગના પીઆઈ આર.જી. બારોટની રાહબરીમાં પીએસઆઇ આર.બી. દેવમુરારી તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન ટીમને એક અત્યંત ખાનગી અને ચોક્કસ બાતમી મળી હતી કે ગાડુકા ગામની સીમમાં એક શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદેસર રીતે ગાંજાના જથ્થા સાથે ઉભો છે અને તેનું વેચાણ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે જરાપણ સમય ગુમાવ્યા વિના ત્વરિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી શંકાસ્પદ જુવાનસિંહ જાડેજાની અટકાયત કરી હતી.

પોલીસે જ્યારે પકડાયેલા વ્યક્તિની અને ઘટનાસ્થળની સઘન તપાસ કરી ત્યારે તેની પાસેથી કુલ ૪.૦૩૩ કિલોગ્રામ જેટલો ગેરકાયદેસર વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જ અંદાજે રૂ.૨.૦૧ લાખની કિંમતનો ગાંજો, એક સફેદ કલરનો ડીજીટલ વજન કાંટો અને પેકિંગ માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની કોથળીઓ સહિત કુલ રૂ.૨.૦૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં એવું બહાર આવ્યું છે કે આ આરોપી મહારાષ્ટ્રના નાસીકથી ગાંજાનો જથ્થો લાવીને અહીં સ્થાનિક સ્તરે છૂટક ભાવે વેચતો હતો. હાલ એએનટીએફ દ્વારા આરોપી વિરૂદ્ધ એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને આગળની તપાસ સિક્કા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે, જેથી આ ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કયા લોકો સંડોવાયેલા છે તેની કડી મેળવી શકાય.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande