
નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) ભારત કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ) મિશનના સહયોગથી એઆઈ કંપની અવતારે શુક્રવારે સ્વદેશી વિડિયો જનરેશન મોડલ ‘વર્યા’ લોન્ચ કર્યું. કંપનીનો દાવો છે કે, આ મોડલ અત્યંત ઓછી કિંમત અને ઓછા સમયમાં ઉચ્ચ ગુણવત્તાવાળા વિડિયો તૈયાર કરી શકે છે.
લૉન્ચ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણન પણ હાજર રહ્યા હતા. ‘વર્યા’નું વિકાસ ભારત એઆઈ મિશન હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવેલા કમ્પ્યુટિંગ સંસાધનોની મદદથી કરવામાં આવ્યું છે.
ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલી જાહેરાતમાં જણાવ્યું કે, ‘વર્યા’ વિડિયો બનાવવાની પ્રક્રિયાને 50 તબક્કાથી ઘટાડીને માત્ર 4 તબક્કામાં પૂર્ણ કરે છે. તેના કારણે વિડિયો નિર્માણનો ખર્ચ ઘટીને લગભગ પ્રતિ સેકન્ડ 48 પૈસા જેટલો રહે છે, જે અનેક વૈશ્વિક એઆઈ વિડિયો મોડલોની તુલનામાં આશરે 10 ગણો વધુ કિફાયતી હોવાનું જણાવવામાં આવ્યું છે.
‘વર્યા’ને ભારતીય જરૂરિયાતો અને વિવિધતાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તે ભારતીય તહેવારો, સંસ્કૃતિ, ખાણી-પીણી, વસ્ત્રપરંપરા અને સ્થાનિક પરિસ્થિતિઓને સમજીને વિડિયો તૈયાર કરવામાં સક્ષમ છે. શિક્ષણ, ઈ-કોમર્સ, જાહેરાત, સરકારી જનજાગૃતિ અભિયાન અને કન્ટેન્ટ ક્રિએશન જેવા ક્ષેત્રોમાં તેના વ્યાપક ઉપયોગની સંભાવના છે.
આ પ્રસંગે સચિવ એસ. કૃષ્ણને જણાવ્યું કે, ‘વર્યા’ ભારતની સ્વદેશી એઆઈ ક્ષમતાઓને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે અને તે દેશના ગહન ટેક્નોલોજીકલ નવોચારોને નવી ગતિ આપશે.
બીજી તરફ, અવતારના સહ-સ્થાપક અને સીઈઓ શ્રવંત અલુરુએ જણાવ્યું કે, ભારતમાં એઆઈનું ભવિષ્ય માત્ર મોટા મોડલો બનાવવામાં નથી, પરંતુ એવા કાર્યક્ષમ અને કિફાયતી મોડલો વિકસાવવામાં છે જે કરોડો લોકો સુધી પહોંચી શકે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ