વડાપ્રધાન મોદીનો 6 દિવસીય યુરોપ પ્રવાસ આજથી શરૂ, જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે
નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ અને સ્લોવાક રિપબ્લિકની છ દિવસીય મહત્વપૂર્ણ સત્તાવાર મુલાકાત શનિવારથી શરૂ થઈ ગઈ છે. તેમની આ મુલાકાત 18 જૂને પૂર્ણ થશે. પોતાની રવાનગી પહેલા વડાપ્રધાન મોદીએ મુલાકાતના મુખ્ય ઉદ્દેશ્યો અને કા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી-ફાઈલ ફોટો


નવી દિલ્હી, 13 જૂન (હિ.સ.) વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ફ્રાન્સ અને સ્લોવાક રિપબ્લિકની છ દિવસીય મહત્વપૂર્ણ સત્તાવાર મુલાકાત શનિવારથી શરૂ થઈ ગઈ છે. તેમની આ મુલાકાત 18 જૂને પૂર્ણ થશે.

પોતાની રવાનગી પહેલા વડાપ્રધાન મોદીએ મુલાકાતના મુખ્ય ઉદ્દેશ્યો અને કાર્યક્રમોની રૂપરેખા શેર કરતા એક્સ પર લખ્યું કે, તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને સ્લોવાક રિપબ્લિકના વડાપ્રધાન રોબર્ટ ફિકોના આમંત્રણ પર આ મુલાકાતે જઈ રહ્યા છે. પોતાની મુલાકાતના પ્રથમ તબક્કામાં તેઓ ફ્રાન્સના નીસ શહેર પહોંચશે.

ફ્રાન્સની આ મુલાકાત અંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારતના વ્યૂહાત્મક વિઝનમાં ફ્રાન્સનું વિશેષ સ્થાન છે. આ વર્ષની શરૂઆતમાં રાષ્ટ્રપતિ મેક્રોનની ભારત મુલાકાત દરમિયાન આપણા સંબંધોને 'વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી'નો દરજ્જો મળ્યો હતો. હવે આપણે ફેબ્રુઆરી પછી થયેલી પ્રગતિની સમીક્ષા કરીશું.

તેમણે જણાવ્યું કે 14 જૂને તેઓ અને રાષ્ટ્રપતિ મેક્રોં, સંયુક્ત રીતે 'ભારત ઇનોવેટ્સ' કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 'ભારત-ફ્રાન્સ ઇનોવેશન વર્ષ' અંતર્ગત યોજાનારો આ કાર્યક્રમ ભારતીય સ્ટાર્ટઅપ્સને વૈશ્વિક રોકાણકારો સાથે જોડશે.

નીસ પછી વડાપ્રધાન 14-15 જૂને સ્લોવાક રિપબ્લિકની રાજધાની બ્રાતિસ્લાવા જવા રવાના થશે. વર્ષ 1993માં સ્લોવાકિયા એક સ્વતંત્ર દેશ બન્યા પછી કોઈપણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ સ્લોવાકિયા મુલાકાત હશે.

વડાપ્રધાન મોદી ત્યાંના રાષ્ટ્રપતિ પેલેગ્રીની અને વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ત્યારબાદ તેઓ સ્લોવાકિયાના અગ્રણી 'બિઝનેસ લીડર્સ' સાથે બેઠક કરશે. આ મુલાકાતનો ઉદ્દેશ્ય ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વ્યાપાર કરાર (એફટીએ)ની ગતિ વધારવાનો અને યુરોપિયન યુનિયન સાથે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો છે.

સ્લોવાકિયાથી વડાપ્રધાન મોદી સીધા એવિયન (ફ્રાન્સ) પહોંચશે, જ્યાં તેઓ 16 અને 17 જૂને યોજાનારી જી-7 શિખર સંમેલનમાં ભાગ લેશે.

તેમણે જણાવ્યું હતું કે, જી-7માં ભારતની હાજરી માત્ર દેશની વધતી વૈશ્વિક ઓળખને જ દર્શાવતી નથી, પરંતુ ભારત અહીં 'ગ્લોબલ સાઉથ' (વિકાસશીલ અને ગરીબ દેશો)ની આકાંક્ષાઓ અને મુદ્દાઓને પણ પ્રમુખતાથી વાચા આપશે.

વડાપ્રધાને જણાવ્યું કે, તેઓ પોતાની આ મુલાકાતનું સમાપન 18 જૂને પેરિસમાં કરશે. પેરિસમાં રાષ્ટ્રપતિ મેક્રોં સાથે તેઓ યુરોપના સૌથી મોટા ટેકનોલોજી અને ઇનોવેશન શો 'વીવા ટેક 2026'માં ભાગ લેશે. આ વર્ષે આ શોમાં અત્યાર સુધીનું સૌથી મોટું 'ભારતીય નેશનલ પેવેલિયન' બનાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત, તેઓ પેરિસમાં વસતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે.

ઉલ્લેખનીય છે કે, આ સતત 8મી વખત છે જ્યારે ભારતને જી-7 શિખર સંમેલનમાં વિશેષ આમંત્રિત તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે.

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande