


પોરબંદર, 12 જૂન (હિ.સ.) પોરબંદરના સર્વાંગી ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપવા માટે આગામી તા. 13અને 14 જૂન, 2026 દરમિયાન બે દિવસીય વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ દરમિયાન પોરબંદરમાં સૂચિત મેગા ફર્નિચર પાર્કની સ્થાપના, વિકાસની સંભાવનાઓ, રોકાણની તકો અને ભવિષ્યની વ્યૂહાત્મક દિશા અંગે ઉદ્યોગજગત સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે.
કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી તથા પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયા અને ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનારી આ સમિટમાં દેશભરમાંથી 50થી વધુ ફર્નિચર ઉદ્યોગ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ, વિવિધ ઉદ્યોગ સંગઠનો, વ્યાપારિક મંડળો તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સના પ્રતિનિધિઓ સહભાગી બનશે.
ફર્નિચર પાર્કની સંભવિત સ્થાપના માટે જરૂરી સંકલિત અભિગમના ભાગરૂપે ગુજરાત સરકારના ઉદ્યોગ વિભાગ, બંદર વિભાગ સહિત વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહી જરૂરી રૂપરેખા અને માર્ગદર્શન પ્રસ્તુત કરશે. આ સમિટના આયોજનને લઈને પોરબંદર મહાનગરપાલિકા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક ઉદ્યોગપતિઓની અગત્યની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મેયર સાગર મોદી, જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી તથા મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમિટમાં ભાગ લેવા આવનાર ડેલીગેશનના સ્વાગત અને જરૂરી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીએ આગામી સમિટની કાર્યક્રમ રૂપરેખા ઉદ્યોગપતિઓ સમક્ષ રજૂ કરી હતી તેમજ ભવિષ્યમાં પોરબંદરમાં ઉદ્યોગોની સ્થાપના અંગે સંભાવનાઓથી માહિતગાર કર્યા હતા. મેયર સાગરભાઈ મોદીએ યજમાન તરીકે ડેલીગેશનના સ્વાગત માટેની જવાબદારીઓ અને તૈયારીઓ અંગે માર્ગદર્શન આપતાં ઉદ્યોગપતિઓને વન-ટુ-વન કો-ઓર્ડિનેશન તથા સાઈટ મુલાકાત દરમિયાન સક્રિય સહભાગી બનવા અપીલ કરી હતી.
અગ્રણી રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, જો નામાંકિત કંપનીઓ પોરબંદરમાં ઉદ્યોગોની સ્થાપના કરશે તો મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થશે અને સ્થાનિક યુવાનોનું અન્ય શહેરોમાં થતું સ્થળાંતર અટકાવવામાં પણ મદદ મળશે. બેઠકમાં ઉપસ્થિત પોરબંદરના ઉદ્યોગપતિઓએ આગામી સમિટને ભવ્ય અને સફળ બનાવવા માટે તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ પોરબંદરને નવા ઔદ્યોગિક આયામો તરફ દોરી જતી એક મહત્વપૂર્ણ પહેલ બની રહેશે અને તેના થકી રોકાણ, રોજગારી અને સ્થાનિક અર્થતંત્રને નવી ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તકે પદાધિકારીઓ, અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya