તખ્તેશ્વર મહાદેવ મંદિર ખા,તે સીઆઇએસએફનું યોગ સત્ર યોજાયું, યોગમય વાતાવરણમાં સ્વાસ્થ્ય અને આધ્યાત્મિકતાનો સંદેશ
ભાવનગર, 12 જૂન (હિ.સ.)આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ), એરપોર્ટ સેક્ટર ગ્રુપ (એએસજી) ભાવનગર દ્વારા, શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 6:30 થી 7:
યોગ સત્ર યોજાયું


ભાવનગર, 12 જૂન (હિ.સ.)આંતરરાષ્ટ્રીય યોગ દિવસ–2026ની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (સીઆઇએસએફ), એરપોર્ટ સેક્ટર ગ્રુપ (એએસજી) ભાવનગર દ્વારા, શ્રી તખ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 6:30 થી 7:30 વાગ્યા સુધી યોજાયેલા આ કાર્યક્રમમાં સીઆઇએસએફના જવાનો અને અન્ય સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને યોગના મહત્વને આત્મસાત કર્યું હતું.

આ કાર્યક્રમ સીઆઇએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મહેશ સિંઘના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એરપોર્ટ સેક્ટર ગ્રુપ દ્વારા વિવિધ યોગ અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

યોગ સત્રનું માર્ગદર્શન અનુભવી યોગ પ્રશિક્ષિકા ડૉ. રેખાબેન જે. ડોબારિયાએ આપ્યું હતું. તખ્તેશ્વર મહાદેવ મંદિરના પવિત્ર અને આધ્યાત્મિક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોગાસનો, પ્રાણાયામ, ધ્યાન અને શ્વાસ સંબંધિત અભ્યાસ કરાવવામાં આવ્યા હતા. યોગના વૈજ્ઞાનિક તેમજ આધ્યાત્મિક લાભો અંગે પણ સહભાગીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન યોગ દ્વારા શારીરિક તંદુરસ્તી, માનસિક શાંતિ અને આત્મિક સંતુલન કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સીઆઇએસએફના જવાનોએ સંપૂર્ણ સમર્પણ સાથે યોગાભ્યાસમાં ભાગ લીધો હતો અને નિયમિત યોગને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મહેશ સિંઘે જણાવ્યું હતું કે, યોગ માત્ર કસરત નથી, પરંતુ મન, શરીર અને આત્મા વચ્ચે સુમેળ સ્થાપિત કરતું જીવનદર્શન છે. તેમણે તમામ કર્મચારીઓ અને નાગરિકોને યોગને દૈનિક જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો.

આ આયોજન દ્વારા સ્વાસ્થ્ય જાગૃતિ, માનસિક સુદ્રઢતા અને સકારાત્મક જીવન મૂલ્યોને પ્રોત્સાહન મળ્યું હતું. સાથે જ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ના સંદેશને જનજન સુધી પહોંચાડવાનો સફળ પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande