કુકરાણા ગામની ધી કુકરાણા સેવા સહકારી મંડળી લિમિટેડમાં રૂ.1.20 કરોડની ઉચાપતનો ગુનો નોંધાયો
પાટણ, 12 જૂન (હિ.સ.) : કુકરાણા ગામની ધી કુકરાણા સેવા સહકારી મંડળી લિમિટેડમાં વર્ષ 2014થી 2019 દરમિયાન થયેલી નાણાકીય ગેરરીતિઓ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં તત્કાલીન મંત્રી અને પ્રમુખ વિરુદ્ધ ₹1,20,19,868ની ઉચાપત, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાય
કુકરાણા ગામની ધી કુકરાણા સેવા સહકારી મંડળી લિમિટેડમાં ₹1.20 કરોડની ઉચાપતનો ગુનો નોંધાયો


પાટણ, 12 જૂન (હિ.સ.) : કુકરાણા ગામની ધી કુકરાણા સેવા સહકારી મંડળી લિમિટેડમાં વર્ષ 2014થી 2019 દરમિયાન થયેલી નાણાકીય ગેરરીતિઓ મામલે હારીજ પોલીસ સ્ટેશનમાં તત્કાલીન મંત્રી અને પ્રમુખ વિરુદ્ધ ₹1,20,19,868ની ઉચાપત, વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. તપાસમાં ખુલાસો થયો છે કે તત્કાલીન મંત્રી નટવરસિંહ ગોપાળસિંહ વાઘેલાએ સભાસદોના નામે લેવાયેલા ધિરાણ, વ્યાજ અને ઘાસચારાના નાણાં મળી કુલ ₹35.37 લાખની ગેરરીતિ આચરી હતી. જ્યારે તત્કાલીન પ્રમુખ હરગોવનભાઈ ડાહ્યાભાઈ પટેલે ₹8.45 લાખની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બંને હોદ્દેદારોએ મળીને ધિરાણ મુદ્દલ અને વ્યાજની ₹76.37 લાખની રકમની ઉચાપત કરી હોવાનું તપાસમાં જણાયું છે. આરોપીઓએ પૂર્વ આયોજિત કાવતરું રચી મંડળીના કુલ ₹1.20 કરોડથી વધુ નાણાં પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખ્યા હોવાનું કહેવાય છે.

તપાસ મુજબ 35 સભાસદોના નામે પાક ધિરાણ મેળવી તેમની પાસેથી વસૂલ કરાયેલી રકમ બેંકમાં જમા કરાવવામાં આવી ન હતી. તેમજ 8 સભાસદોના નામે ખોટા ઘાસચારા ધિરાણ ખાતા દર્શાવી નાણાંની ગેરરીતિ કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. સહકારી વિભાગના તપાસણી અહેવાલ અને જિલ્લા રજિસ્ટ્રારના આદેશના આધારે મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અધિકારી પિયુષભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPC કલમ 420, 406, 408, 114 અને 120-બી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande