
પાટણ, 12 જૂન (હિ.સ.) : કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તે હેતુથી ‘12 વર્ષ: વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના’ થીમ હેઠળ પાટણ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાનના વિકસિત ભારત@2047 અને રાજ્ય સરકારના વિકસિત ગુજરાત@2047ના સંકલ્પને જનભાગીદારીથી ગતિ આપવા આ અભિયાન હાથ ધરાયું છે.
રાધનપુર, સાંતલપુર, શંખેશ્વર, સિદ્ધપુર, સમી, સરસ્વતી, ચાણસ્મા અને પાટણ તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓ તેમજ સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં શિબિરો યોજાઈ હતી. નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
શિબિરોમાં આયુષ્માન ભારત, આયુષ્માન વય વંદના, પીએમ સૂર્યઘર, લખપતિ દીદી, પીએમ સ્વનિધિ, ફ્રીશિપ કાર્ડ, વૃદ્ધ પેન્શન, દિવ્યાંગ સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય, ગંગા સ્વરૂપા, મુખ્યમંત્રી લક્ષી સહાય અને સરસ્વતી યોજના સહિત અનેક યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય જરૂરી સેવાઓની કામગીરી સ્થળ પર જ કરવામાં આવી હતી.
આ શિબિરો દ્વારા નાગરિકોને એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળતા સરકારી કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહી નહોતી. મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી યોજનાઓનો લાભ મેળવ્યો અને સરકારની આ લોકકલ્યાણકારી પહેલને આવકારી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ