એફએસએસએઆઈએ, કેએફસી, ફ્લીપકાર્ટ ઇન્ડિયા અને નેસ્લેને નોટિસ ફટકારી
-ખાદ્ય પદાર્થોમાં જોવા મળતા કીડાઓ અંગે, એફ.એસ.એસ.એ.આઈ. એ, નોટિસ ફટકારી નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફ.એસ.એસ.એ.આઈ.) એ, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત ફરિયાદોની ગંભીર નોંધ લીધી છે અને ત્રણ મોટી કંપનીઓ સામે
નોટીસ


-ખાદ્ય પદાર્થોમાં જોવા મળતા કીડાઓ અંગે, એફ.એસ.એસ.એ.આઈ. એ, નોટિસ ફટકારી

નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફ.એસ.એસ.એ.આઈ.) એ, ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સંબંધિત ફરિયાદોની ગંભીર નોંધ લીધી છે અને ત્રણ મોટી કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. ઓથોરિટીએ નેસ્લે ઇન્ડિયા, ફ્લીપકાર્ટ ઇન્ડિયા અને કેએફસીને નોટિસ મોકલીને સોશિયલ મીડિયા પર સામે આવેલી ગ્રાહકોની ફરિયાદોના આધારે વિગતવાર અહેવાલો માંગ્યા છે.

એફએસએસએઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસમાં કંપનીઓને પૂછવામાં આવ્યું છે કે, સંબંધિત ફરિયાદોની તપાસ માટે કયા પગલાં લેવામાં આવ્યા છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે કયા સુધારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ઓથોરિટી અનુસાર, કે.એફ.સી.ને તેના આઉટલેટ્સ પર, સ્વચ્છતા સંબંધિત ફરિયાદોના કિસ્સામાં નોટિસ મોકલવામાં આવી છે. તે જ સમયે, ફ્લીપકાર્ટ ઇન્ડિયાને તેના પ્લેટફોર્મ દ્વારા વેચાતા, ખજૂરના ઉત્પાદનમાં કીડા મળી આવ્યા હોવાના આરોપો પર જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. વધુમાં, નેસ્લે ઇન્ડિયાને મેગીના પેકેટમાં, કૃમિ અથવા લાર્વા મળી આવ્યા હોય તેવા કિસ્સાઓ અંગે નોટિસો જારી કરવામાં આવી છે.

એફએસએસએઆઈએ કંપનીઓને, ઘટનાઓની સંપૂર્ણ વિગતો, તપાસ અહેવાલો અને ગ્રાહકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાં પ્રદાન કરવા જણાવ્યું છે. સત્તામંડળનું કહેવું છે કે, ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સલામતી સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન સ્વીકારવામાં આવશે નહીં.

નિષ્ણાતોનું માનવું છે કે, એફએસએસએઆઈની આ કાર્યવાહી ખાદ્ય સુરક્ષા નિયમનમાં ઉભરતા નવા વલણને પ્રતિબિંબિત કરે છે. હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી ગ્રાહકોની ફરિયાદો સીધી નિયમનકારી એજન્સીઓના ધ્યાનમાં આવી રહી છે અને તેમના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આનાથી ફરિયાદ દાખલ કરવા અને સંબંધિત કંપનીઓ પાસેથી જવાબ માંગવા વચ્ચેનો સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે.

આ પગલું ગ્રાહક અધિકારોના દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આનાથી કંપનીઓ પર ઉત્પાદનોની ગુણવત્તા જાળવવા અને ફરિયાદોનું ઝડપી નિરાકરણ લાવવા માટે દબાણ વધશે. તે જ સમયે, તે સામાન્ય ગ્રાહકોનો વિશ્વાસ પણ મજબૂત કરશે કે તેમની ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande