
ભાવનગર, 12 જૂન (હિ.સ.) : ભાવનગર શહેરમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા (RSETI) દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સ્વરોજગારીની તકો ઉપલબ્ધ કરાવવા માટે આયોજિત સિલાઇકામની નિઃશુલ્ક તાલીમનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. તાલીમમાં ભાગ લેનાર 29 જેટલી બીપીએલ કાર્ડધારક બહેનોએ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી હતી. આ તાલીમ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓને વ્યવસાયલક્ષી કૌશલ્ય પ્રદાન કરીને તેમને સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવાનો હતો. તાલીમ દરમિયાન બહેનોને સિલાઇકામના વિવિધ પાસાઓની વ્યવહારુ અને તકનીકી માહિતી આપવામાં આવી હતી, જેના દ્વારા તેઓ ભવિષ્યમાં પોતાનો વ્યવસાય શરૂ કરી આર્થિક રીતે સશક્ત બની શકે.
સમાપન કાર્યક્રમમાં એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થાના ડાયરેક્ટર શ્યામ નિવાસ, ફેકલ્ટી ઇશાનભાઇ, ફેકલ્ટી જયેશભાઇ ગોહિલ, આસિસ્ટન્ટ સમિકકુમાર લકુમ, આસિસ્ટન્ટ દૃષ્ટીબેન, સ્ટાફગણ તેમજ એસેસર વિરડીયાભાઇ અને ડોમેઇન એસેસર હેતલબા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ તાલીમાર્થી બહેનોને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
ડાયરેક્ટર શ્યામ નિવાસે તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું. તેમણે બહેનોને સ્વરોજગાર અને નાના વ્યવસાય માટે ઉપલબ્ધ વિવિધ લોન યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ તાલીમ દ્વારા બહેનોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી આત્મવિશ્વાસ, હિંમત અને સ્વાવલંબનની ભાવના વિકસાવવા પર ભાર મૂક્યો હતો.
કાર્યક્રમ દરમિયાન આર.સેટી. બજારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલીમાર્થી બહેનો દ્વારા તૈયાર કરાયેલ ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બહેનોને જીવનમાં સતત પ્રગતિ કરવા, કૌશલ્યનો ઉપયોગ કરીને આત્મનિર્ભર બનવા અને સમાજમાં આગવું સ્થાન મેળવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયી માહોલમાં સંપન્ન થયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA