
નવસારી, 12 જૂન (હિ.સ.) : નવસારી જિલ્લાના વાંસદા પોલીસને પોક્સો અને અપહરણના કેસમાં મોટી સફળતા મળી છે. લગભગ પાંચ મહિનાથી પોલીસથી બચતો ફરતો ડાંગ જિલ્લાના જામલાપાડા ગામનો 21 વર્ષીય નરેશ પવાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી ઝડપાઈ ગયો છે. આરોપી સાથે રહેલી 15 વર્ષની સગીરાને પણ પોલીસે સલામત રીતે મુક્ત કરાવી પરિવારને સોંપી છે.
તપાસ દરમિયાન પોલીસને સોશિયલ મીડિયા મારફતે આરોપીના સારવાર સંબંધિત એક એક્સ-રેનો ફોટો મળ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. ચાવડા અને તેમની ટીમે એક્સ-રે પર દર્શાવેલી વિગતોનું ટેકનિકલ વિશ્લેષણ કરતાં તે નાસિક જિલ્લાના પીંપળગામ વિસ્તારની એક ડાયગ્નોસ્ટિક સેન્ટર સાથે જોડાયેલો હોવાનું જાણવા મળ્યું. ત્યારબાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે આરોપીનું ચોક્કસ સ્થાન શોધી કાઢ્યું.
લોકેશન મળતા જ વાંસદા પોલીસની ટીમે નાસિક નજીકના વસંત ગામ વિસ્તારમાં દરોડો પાડી શેરડીના ખેતરમાં છુપાયેલા આરોપીને ઝડપી લીધો હતો. આરોપી વિરુદ્ધ અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કામગીરી નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે