
સિલવાસા, 12 જૂન (હિ.સ.) લાયન્સ ક્લબ ઓફ સિલવાસા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ એન્ડ રિસર્ચે B.L.S. LL.B. યુનિવર્સિટી પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવી શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
પ્રદેશની પ્રથમ કાયદા શિક્ષણ સંસ્થા તરીકે ઓળખાતી હવેલી ઇન્સ્ટિટ્યૂટે સ્થાપનાના માત્ર નવ વર્ષમાં જ આ ઐતિહાસિક સફળતા મેળવી શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો નવો માપદંડ સ્થાપ્યો છે. સંસ્થાની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિ અને વિદ્યાર્થીકેન્દ્રિત અભિગમના પરિણામે આ સફળતા પ્રાપ્ત થઈ હોવાનું માનવામાં આવે છે.
પરીક્ષામાં નાયક કેયૂર અશોકકુમાર નીતાએ, CGPI 8.43 અને SGPI 9.00 સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. જ્યારે વર્મા રાધિકા રાજકુમાર સંત્રાદેવીએ CGPI 7.89 અને SGPI 8.80 તેમજ તિવારી વિષ્ણુકાંત જયપ્રકાશ સાવિત્રીદેવીએ CGPI 7.77 અને SGPI 8.40 મેળવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના અધ્યક્ષ ફતેહસિંહ એમ. ચૌહાણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ સફળતા માત્ર ઉત્તમ પરિણામ નહીં પરંતુ શિસ્ત, મહેનત અને ગુણવત્તાસભર શિક્ષણનું પ્રતિબિંબ છે. વિદ્યાર્થીઓ ભવિષ્યમાં કાયદા ક્ષેત્રે ઉત્તમ યોગદાન આપી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તેવી આશા વ્યક્ત કરી હતી.
સંસ્થાની પ્રાચાર્યા, પ્રાધ્યાપકો અને સ્ટાફે પણ વિદ્યાર્થીઓની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Krishna Ghanshyam Jha