
નવી દિલ્હી, 12 જૂન (હિ.સ.) દિલ્હી-એનસીઆર સહિત દેશના અનેક વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો દરમિયાન હવામાનના મિજાજમાં ફેરફાર થવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના અનુમાન અનુસાર એક તરફ ઉત્તર-પશ્ચિમ ભારતને ભીષણ ગરમીથી રાહત મળશે, જ્યારે બીજી તરફ મધ્ય અને પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારોમાં લૂનો પ્રકોપ યથાવત્ રહેશે.
આઈએમડી અનુસાર, રાજધાનીમાં શનિવારે બપોરે અથવા સાંજે તેજ પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. અહીં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 36-38 ડિગ્રી સેલ્સિયસ અને 22-24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. 14 જૂને બપોર અને સાંજ દરમિયાન આંધી-તોફાન જેવી સ્થિતિ સર્જાવાનો અંદાજ છે. આ દિવસે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 37-39 ડિગ્રી સેલ્સિયસ અને 23-25 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની સંભાવના છે. 15 જૂને આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. અહીં મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 37-39 ડિગ્રી સેલ્સિયસ અને 24-26 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે પશ્ચિમ બંગાળ, બિહારના કેટલાક ભાગો, ઓડિશા અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં આગળ વધ્યું છે.
પશ્ચિમી વિક્ષોભની અસરથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં શનિવાર સુધી વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ, 13 જૂને મરાઠવાડા, તેલંગાણા અને પશ્ચિમ રાજસ્થાન તેમજ 13થી 16 જૂન દરમિયાન વિદર્ભના કેટલાક વિસ્તારોમાં લૂ ફૂંકાવાની ખૂબ જ શક્યતા છે.
આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળના બાકીના વિસ્તારો, ઓડિશા, ઝારખંડ, બિહારના કેટલાક ભાગો તેમજ છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં વધુ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓ છે.
ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત, ઉત્તર-પૂર્વ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પીય ભારતના કેટલાક વિસ્તારોમાં 13થી 18 જૂન દરમિયાન મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન આ વિસ્તારોમાં તેજ ગતિના પવનો ફૂંકાવા અને ક્યાંક ક્યાંક કરા પડવાની પણ સંભાવના છે.
ઉત્તર-પશ્ચિમ ભારત સિવાય દેશના અન્ય ભાગોમાં 18 જૂન સુધી મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં 13 જૂને ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતા છે. જ્યારે 13 જૂને જ વિદર્ભના કેટલાક વિસ્તારોમાં ગરમ રાતની સ્થિતિ સર્જાવાની ખૂબ જ શક્યતા છે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ