
નવસારી, 12 જૂન (હિ.સ.) : નવસારીની યુવા ક્રિકેટર મૈત્રી મણિયારે પોતાની પ્રતિભા અને સતત મહેનતના બળે ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામે યોજાનારી IDFC First Bank Sri Lanka Women's U-19 Tour of India માટે ટીમની જાહેરાત કરી છે, જેમાં મૈત્રીની પસંદગી થતા નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. આ શ્રેણીમાં ત્રણ T20 અને ત્રણ વન-ડે મેચો રમાવાની છે.
મૈત્રીના પ્રારંભિક કોચ કાંતિલાલ પટેલે જણાવ્યું કે તે નાની ઉંમરથી જ ક્રિકેટ પ્રત્યે સમર્પિત અને શિસ્તબદ્ધ રહી છે. માત્ર સાત વર્ષની ઉંમરથી તાલીમ લેતી મૈત્રીમાં ફિટનેસ અને રમત પ્રત્યેનો જુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તેમણે જણાવ્યું કે મૈત્રીના માતા-પિતાએ તેની કારકિર્દી ઘડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને વર્ષો સુધી કરેલી મહેનતનું ફળ આજે દેશની ટીમમાં પસંદગી રૂપે મળ્યું છે.
પાંચ વર્ષની ઉંમરે રમતગમતમાં પ્રવેશ કરનાર મૈત્રીએ શરૂઆત બેડમિન્ટનથી કરી હતી, પરંતુ બાદમાં ક્રિકેટને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું. વધુ સારી તાલીમ અને તકો માટે તેનો પરિવાર નવસારીથી વડોદરા સ્થાયી થયો હતો, જ્યાં માતા-દીકરીએ અનેક પડકારો વચ્ચે સંઘર્ષ કરીને આ સફળતા મેળવી છે. મૈત્રીએ જણાવ્યું કે આ સિદ્ધિ તેના માટે માત્ર એક પડાવ છે, કારણ કે તે હજુ ભારતીય ક્રિકેટમાં વધુ ઊંચા મુકામ હાંસલ કરવા માટે સતત મહેનત કરતી રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે