
સુરત, 12 જૂન (હિ.સ.) : વડાપ્રધાનના વડપણ હેઠળ કેન્દ્ર સરકારના સુશાસનના “12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ”ના અંતર્ગત પ્રગતિપથ યાત્રા અંતર્ગત ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ જિલ્લા પંચાયતના પ્રમુખ સમીર મોદી સાથે માંડવી તાલુકાના કેવડી ઈકો ટુરિઝમ કેમ્પ સાઈટની મુલાકાત લીધી હતી.
કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે, પ્રગતિપથ યાત્રાના માધ્યમથી વિકાસના કાર્યોની સાથે સાથે પ્રાકૃતિક અને પર્યાવરણીય વારસાને લોકો સુધી પહોંચાડવાનો પણ એક સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત વન વિભાગ સંચાલિત કેવડી ઈકો ટુરિઝમ કેમ્પ પ્રકૃતિપ્રેમીઓ માટે એક અનોખું અને આકર્ષક પર્યટન સ્થળ છે. દક્ષિણ ગુજરાતના હરિયાળા પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલ આ કેમ્પ બર્ડ વોચિંગ, હાઈકિંગ, પ્રકૃતિના રમણીય રસ્તાઓ તેમજ વન્યજીવનના અવલોકન માટે વિશેષ ઓળખ ધરાવે છે. પ્રકૃતિના ખોળામાં આવેલ આ સ્થળ પ્રવાસીઓને શાંતિ, આનંદ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિનો અનોખો અનુભવ કરાવે છે.
કેમ્પમાં ટેન્ટ કેમ્પ, ટ્રી હાઉસ અને પાણીની નજીક આવેલ સુરક્ષિત લાકડાના કોટેજ જેવી ઉત્તમ આવાસ વ્યવસ્થા ઉપલબ્ધ છે. ઉપરાંત ગાઈડેડ નેચર ટ્રેઈલ, પક્ષી નિરીક્ષણ, હાઈકિંગ, કુદરતી જ્ઞાન શિબિર તેમજ પાણીની આસપાસ ફરવાની વિવિધ પ્રવૃત્તિઓ પ્રવાસીઓને આકર્ષે છે. ઓરિએન્ટેશન સેન્ટર, સ્થાનિક સાંસ્કૃતિક ભોજન અને પર્યાવરણ શિક્ષણ જેવી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ છે. તેમણે અહીં વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કરી વનવિભાગના અનમોલ નજરાણા સમાન આ પ્રવાસન કેન્દ્રની સૌ કોઈએ મુલાકાત લેવા, પ્રકૃતિનો આનંદ માણવા, પર્યાવરણ પ્રત્યે જાગૃત બનવા અને સ્થાનિક પર્યટનને પ્રોત્સાહન આપવાનો હળપતિએ અનુરોધ કર્યો હતો.
જિ.પં.ના પ્રમુખ સમીર મોદીએ જણાવ્યું હતું કે, કેવડી નેચર કેમ્પ તેની જીવંત સાબિતી છે. મર્યાદિત મોબાઈલ નેટવર્ક કવરેજ હોવા છતાં, આ સ્થળ શહેરના ઘોંઘાટથી દૂર શાંતિપૂર્ણ અને કુદરતી વાતાવરણ પૂરું પાડે છે. કેવડી નેચર કેમ્પ માત્ર પર્યટન સ્થળ જ નહીં પરંતુ પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને પ્રકૃતિ સાથેના જોડાણને મજબૂત બનાવતું એક ઉત્તમ કેન્દ્ર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે