ધોરડોએ લખ્યો ઊર્જા આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ: સોલાર ક્રાંતિથી વીજબિલ શૂન્ય, ગ્રામજનોને લાખોની આવક
કચ્છ, 12 જૂન (હિ.સ.) : કચ્છના સફેદ રણની ઓળખ ધરાવતા અને ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ધોરડો ગામે વિકાસનો વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. દેશના અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતા આ ગામે 100 ટકા સોલારાઇઝેશન હાંસલ કરીને માત્ર ઊર્જા ક્ષેત્રે આત્મનિર્
ધોરડો ખાતે સોલાર ક્રાંતિ


ધોરડો ખાતે સોલાર ક્રાંતિ


ધોરડો ખાતે સોલાર ક્રાંતિ


ધોરડો ખાતે સોલાર ક્રાંતિ


કચ્છ, 12 જૂન (હિ.સ.) : કચ્છના સફેદ રણની ઓળખ ધરાવતા અને ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ધોરડો ગામે વિકાસનો વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કર્યો છે. દેશના અગ્રણી પ્રવાસન સ્થળ તરીકે ઓળખાતા આ ગામે 100 ટકા સોલારાઇઝેશન હાંસલ કરીને માત્ર ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા જ પ્રાપ્ત કરી નથી, પરંતુ સમગ્ર દેશ માટે એક પ્રેરણાદાયી મોડેલ પણ ઉભું કર્યું છે. આજે ધોરડો ગામના મોટાભાગના ઘરો અને સરકારી ઇમારતો સૂર્યઊર્જાથી પ્રકાશિત થઈ રહ્યા છે, જેના પરિણામે ગ્રામજનોના વીજબિલ લગભગ શૂન્ય થઈ ગયા છે અને વધારાની વીજળી વેચીને આવક પણ પ્રાપ્ત થઈ રહી છે.

કેન્દ્ર સરકારની “પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના” અંતર્ગત અમલમાં આવેલા આ પ્રોજેક્ટે ધોરડાના લોકોના જીવનમાં આર્થિક પરિવર્તન લાવ્યું છે. ગામના 85થી વધુ રહેણાંક મકાનો તેમજ શાળા, આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ અને અન્ય સરકારી સંસ્થાઓ પર સ્થાપિત સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા દર વર્ષે ત્રણ લાખ યુનિટથી વધુ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. કુલ 185 કિલોવોટ ક્ષમતાવાળી આ વ્યવસ્થાએ ગામને ઊર્જા ઉત્પાદક બનાવ્યું છે.

સોલાર ઊર્જાના ઉપયોગથી ગામના પરિવારોને વીજળીના ખર્ચમાં નોંધપાત્ર રાહત મળી છે. અગાઉ હજારો રૂપિયાનું માસિક વીજબિલ ચૂકવતા લોકો હવે તે ખર્ચમાંથી મુક્ત થયા છે. એટલું જ નહીં, પોતાની જરૂરિયાત કરતાં વધારાની વીજળી ગ્રીડમાં આપીને તેઓ આવક પણ મેળવી રહ્યા છે. અંદાજે દર વર્ષે ગામને વીજળી બચત અને વધારાના યુનિટના વેચાણ દ્વારા રૂ. 14 લાખથી વધુનો સંયુક્ત લાભ થઈ રહ્યો છે. સરેરાશ દરેક વીજ વપરાશકર્તાને વાર્ષિક રૂ. 16 હજારથી વધુનો સીધો આર્થિક ફાયદો થઈ રહ્યો છે.

ધોરડાની આ સિદ્ધિ માત્ર આર્થિક લાભ પૂરતી મર્યાદિત નથી. સૂર્યઊર્જાના વ્યાપક ઉપયોગથી ગામે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પરંપરાગત ઊર્જા સ્ત્રોતો પરની નિર્ભરતા ઘટતાં સ્વચ્છ અને હરિયાળા ભવિષ્ય તરફ એક મજબૂત પગલું ભરાયું છે. આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રજૂ કરાયેલા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતી જોવા મળી રહી છે.

ધોરડો ગામના સરપંચ મિંયા હુસેન જણાવે છે કે, સોલાર રૂફટોપ પ્રોજેક્ટે ગામના લોકોના જીવનમાં વાસ્તવિક પરિવર્તન લાવ્યું છે. અગાઉ તેમના પોતાના ઘરનું માસિક વીજબિલ ત્રણથી ચાર હજાર રૂપિયા આવતું હતું, જ્યારે હવે એક વર્ષથી વધુ સમયથી વીજબિલ ભરવાનો પ્રશ્ન જ ઊભો થયો નથી. આ રીતે દર વર્ષે હજારો રૂપિયાની બચત થવા લાગી છે. તેઓ માને છે કે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આ યોજના આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.

સરકારની સબસિડી અને બેંકિંગ સહાયના કારણે સફળ બનેલા આ પ્રોજેક્ટે ધોરડાને દેશના ઊર્જા આત્મનિર્ભર ગામોમાં અગ્રેસર બનાવ્યું છે. સરહદ પર આવેલું આ નાનકડું ગામ આજે વિકાસ, નવીનતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું જીવંત ઉદાહરણ બની ગયું છે. ધોરડાની સફળતા દર્શાવે છે કે જો યોગ્ય આયોજન, સરકારી સહયોગ અને લોકોની ભાગીદારી મળે તો ગ્રામ્ય ભારત પણ ઊર્જા ક્રાંતિનું નેતૃત્વ કરી શકે છે.

સફેદ રણ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ બનેલું ધોરડો હવે સૂર્યઊર્જા આધારિત વિકાસના મોડેલ તરીકે પણ નવી ઓળખ ઉભી કરી રહ્યું છે. ગામની આ ઉપલબ્ધિ અન્ય ગામો અને શહેરો માટે પ્રેરણારૂપ બની રહી છે, જે સ્વચ્છ ઊર્જા, આર્થિક બચત અને પર્યાવરણ સંરક્ષણના માર્ગે આગળ વધવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande