
કચ્છ, 12 જૂન (હિ.સ.) : દેશભરમાં આરોગ્ય ક્ષેત્રે સામાન્ય અને આર્થિક રીતે નબળા વર્ગના પરિવારોને ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી અમલમાં મુકાયેલી આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હજારો પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ યોજના માત્ર સારવારનો ખર્ચ ઘટાડતી નથી, પરંતુ અનેક દર્દીઓને નવી જિંદગી અને નવો આત્મવિશ્વાસ પણ પ્રદાન કરી રહી છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ઢોરી ગામની એક કિશોરીની સફળ સારવાર તેનો જીવંત દાખલો બની છે.
ઢોરી ગામમાં રહેતી 17 વર્ષીય ભારતીબેન માવજી બત્તા છેલ્લા ઘણા વર્ષોથી કાનની ગંભીર સમસ્યાથી પીડાઈ રહી હતી. બાળપણથી જ તેમને ડાબા કાનમાંથી વારંવાર પરુ અને પાણી આવવાની ફરિયાદ રહેતી હતી. સમય જતાં આ સમસ્યા વધુ ગંભીર બનતી ગઈ અને સાંભળવાની ક્ષમતા પર પણ અસર થવા લાગી. લાંબા સમયથી ચાલતી આ તકલીફના કારણે ભારતીબેનને દૈનિક જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
ગામમાં આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલી આશા કાર્યકરની નિયમિત મુલાકાત દરમિયાન ભારતીબેનની સમસ્યા અંગે જાણકારી મળી હતી. ત્યારબાદ આયુષ્માન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO) દ્વારા તેમની પ્રાથમિક આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સમસ્યા સામાન્ય ન હોવાનું જણાતા વધુ નિદાન અને વિશેષ સારવાર માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પરિવારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતા સારવારના ખર્ચ અંગે ચિંતા સ્વાભાવિક હતી. જોકે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ પરિવારને સમજાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ જરૂરી સારવારનો સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા આવરી લેવામાં આવશે. આ જાણકારી મળતાં પરિવારને મોટી રાહત મળી હતી અને ભારતીબેનની સારવાર માટે આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ત્યારબાદ ભારતીબેનને ભુજ સ્થિત જી.કે. જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં કાન-નાક-ગળાના નિષ્ણાત તબીબો દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. તબીબી નિદાન દરમિયાન તેમને ક્રોનિક ઓટાઇટિસ મીડિયા સાથે કોલેસ્ટેટોમા જેવી ગંભીર સમસ્યા હોવાનું સામે આવ્યું હતું. તબીબોની ટીમે સમયસર સર્જરી જરૂરી હોવાનું જણાવી યોગ્ય સારવાર શરૂ કરી હતી.
હોસ્પિટલમાં ભારતીબેનની ટિમ્પેનોપ્લાસ્ટી, કોર્ટેકલ માસ્ટોઇડેક્ટોમિ અને ઓસિક્યુલર રિકન્સ્ટ્રક્શન જેવી જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી હતી. સર્જરી બાદ તેમની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. વર્ષોથી ચાલતી કાનમાંથી પરુ આવવાની સમસ્યા દૂર થઈ ગઈ હતી અને સાંભળવાની ક્ષમતામાં પણ સારો સુધારો નોંધાયો હતો.
સફળ સારવાર બાદ ભારતીબેને ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે જો સરકારની આરોગ્ય યોજના અને આરોગ્ય કર્મચારીઓનો સહયોગ ન મળ્યો હોત તો તેમના પરિવાર માટે આ સારવાર કરાવવી મુશ્કેલ બની હોત. નિઃશુલ્ક સારવાર મળતાં પરિવાર પર કોઈ આર્થિક બોજ આવ્યો નથી અને હવે તેઓ સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છે.
આ સમગ્ર ઘટનાક્રમ એ દર્શાવે છે કે આયુષ્માન ભારત યોજના, આયુષ્માન આરોગ્ય મંદિરો, આશા કાર્યકરો અને આરોગ્ય વિભાગના વિવિધ કર્મચારીઓ વચ્ચેનું સંકલન અંતરિયાળ વિસ્તારો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. જેના પરિણામે આજે ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં રહેતા અનેક પરિવારોને ગુણવત્તાસભર અને મફત સારવાર મળી રહી છે અને અનેક દર્દીઓના જીવનમાં આશા અને વિશ્વાસનો નવો પ્રકાશ ફેલાઈ રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar