
કચ્છ, 12 જૂન (હિ.સ.) : ગાંધીધામ શહેરમાં ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે જ ક્રમમાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ખાનગી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે વરલી મટકાના જુગારનું સંચાલન કરતા એક વ્યક્તિને ઝડપી પાડી તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
સરહદી રેન્જ ભુજ-કચ્છના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. રાઠોડે સર્વેલન્સ સ્ટાફને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતર્ક રહી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.
આ દરમિયાન પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમને મળેલી ચોક્કસ માહિતીના આધારે સોનલનગર-ભારતનગર વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન એક વ્યક્તિ વરલી મટકાના આંકડાનો જુગાર ચલાવતો હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે આરોપી પાસેથી જુગારના હિસાબ માટે ઉપયોગમાં લેવાતી ડાયરી, પેન અને રોકડ રૂપિયા 10,500 કબજે કર્યા હતા.
આ કેસમાં પોલીસે સોનલનગર, ભારતનગર વિસ્તારમાં રહેતા 31 વર્ષીય રામજી ઉર્ફે રામુ મોહનભાઈ સવાણીને ઝડપી પાડી તેની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીધામ પોલીસની આ કામગીરીને ગેરકાયદેસર જુગારના ધંધા સામે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિને સહન કરવામાં આવશે નહીં અને આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar