ખાવડામાં સોલાર પાર્કમાંથી લાખોની કોપર ચોરીનો ભેદ ઉકેલાયો, એલસીબીએ બે આરોપીઓને ઝડપી પાડ્યા
કચ્છ, 12 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં સંપત્તિ વિરુદ્ધના ગુનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સતત કામગીરી વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બ
કોપર ચોરી કેસના આરોપીઓ


કચ્છ, 12 જૂન (હિ.સ.) : પશ્ચિમ કચ્છ જિલ્લામાં સંપત્તિ વિરુદ્ધના ગુનાઓ પર અંકુશ લાવવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સતત કામગીરી વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી)ને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો અગાઉ બનેલી કોપર સામગ્રીની ચોરીના બનાવનો ભેદ ઉકેલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચોરી, ગેરકાયદેસર માલસામાનની હેરફેર તથા અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી ચોક્કસ માહિતી મુજબ કેટલાક શખ્સો એક બોલેરો વાહનમાં મોટી માત્રામાં કોપરની પટ્ટીઓ ભરીને વેકરિયા રણના કાચા રસ્તા મારફતે ભુજ તરફ આવી રહ્યા હતા. બાતમીના આધારે એલસીબીના અધિકારીઓ અને સ્ટાફે તાત્કાલિક વોચ ગોઠવી વાહનને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાહનમાંથી આશરે ૫૦૦ કિલોગ્રામ કોપરની પટ્ટીઓ તેમજ નટ-બોલ્ટ ભરેલા બોક્સ મળી આવ્યા હતા.

પોલીસે જ્યારે માલસામાન અંગે માલિકી કે ખરીદી સંબંધિત દસ્તાવેજોની માંગણી કરી ત્યારે આરોપીઓ કોઈપણ પ્રકારના આધાર પુરાવા રજૂ કરી શક્યા નહોતા. કડક પૂછપરછ દરમિયાન બંને શખ્સોએ કબૂલાત કરી હતી કે તેમણે પોતાના સાગરિત સાથે મળીને ખાવડા વિસ્તારના બાંધા ગામ પાછળ આવેલા સોલાર પ્રોજેક્ટના સ્ટોરેજ વિસ્તારમાંથી આ સામગ્રી ચોરી કરી હતી.

આ માહિતીના આધારે ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાની વિગતો સાથે ચકાસણી કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે જપ્ત કરાયેલ સામાન એ જ ગુનામાં ચોરાયેલ મુદ્દામાલ હતો. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે તેમને ખાવડા પોલીસને સોંપી દીધા હતા.

આ કાર્યવાહીમાં પોલીસે અંદાજે રૂ. ૬.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં રૂ. ૩ લાખની કોપરની પટ્ટીઓ, રૂ. ૧૦ હજારના નટ-બોલ્ટ તથા રૂ. ૩ લાખ કિંમતની બોલેરો ગાડીનો સમાવેશ થાય છે.

પકડાયેલા આરોપીઓમાં મોટા દિનારા ગામના અનસ સાલે સમા અને ધ્રોબાણા ગામના જાનમામદ ઉર્ફે જાની ઇબ્રાહીમ સમાનો સમાવેશ થાય છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ સુલેમાન ઉર્ફે ભાભા અબ્દુલ્લા સમા હાલ ફરાર છે અને તેની શોધખોળ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

એલસીબીની સતર્ક કામગીરીના પરિણામે ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનો વણશોધાયેલ ગુનો ઉકેલાઈ ગયો છે. આ સફળતાથી જિલ્લામાં સંપત્તિ સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે પોલીસની કડક કાર્યવાહીનો વધુ એક પુરાવો મળ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande