
ભાવનગર, 12 જૂન (હિ.સ.)ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ઘોઘા તાલુકાના ઉખરલા ગામે સફળ દરોડાની કાર્યવાહી હાથ ધરી રૂ. 18.36 લાખથી વધુ કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે એક આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે આરોપી હાલ ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફ ઓફિસ ખાતે હાજર હતો. ત્યારે બાતમી મળી હતી કે, ઉખરલા ગામના રહેવાસી રામદેવસિંહ વજુભા ગોહિલે પોતાના કબ્જા-ભોગવટાની ઉખરલાથી માળનાથ જવાના રોડ ઉપર, ઉખરલા સબ સ્ટેશન સામે આવેલી વાડીની ઓરડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે એલસીબીની ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન ઓરડીમાંથી “ફોર સેલ ઇન યુ.ટી. ચંદીગઢ ઓનલી” લખેલી વિવિધ બ્રાન્ડની સીલપેક પ્લાસ્ટિક અને કાચની દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 9,672 બોટલનો જથ્થો કબ્જે કર્યો હતો, જેની અંદાજિત કિંમત રૂ. 18,36,756 થાય છે.
ઝડપાયેલા મુદ્દામાલમાં 180 એમએલ અને 750 એમએલની ઓલ સીઝન્સ ગોલ્ડન કલેકશન રિઝર્વ વ્હિસ્કીની બોટલો, રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વ્હિસ્કીની બોટલો તેમજ પાર્ટી સ્પેશ્યલ ધ ઓરિજિનલ ગોલ્ડ પ્રીમિયમ વ્હિસ્કીની 8,592 બોટલોનો સમાવેશ થાય છે.
આ મામલે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે, પ્રોહિબિશન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી રામદેવસિંહ વજુભા ગોહિલ હાલ પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે અને પોલીસે તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ભાવનગર એલસીબીની આ કાર્યવાહીથી, જિલ્લામાં દારૂના ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ખળભળાટ મચી ગયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA