
ભાવનગર, 12 જૂન (હિ.સ.)ભાવનગરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપતા એક અનોખા પ્રયાસ રૂપે “મેગા સ્વચ્છતા અભિયાન–2026”નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરપાલિકા, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી, યુનિવર્સિટી વોકિંગ ગ્રુપ, ફાયર વિભાગના જવાનો તથા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ અભિયાનમાં 300થી વધુ સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સવારે 7:30 થી 9:00 વાગ્યા દરમિયાન ચાલેલા આ અભિયાન દરમિયાન યુનિવર્સિટી કેમ્પસના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્વયંસેવકોના સંયુક્ત પ્રયાસોથી આશરે 32 ટન જેટલો કચરો, પ્લાસ્ટિક અને અન્ય ઘન કચરાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેનો વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
વર્ષોથી યુનિવર્સિટી કેમ્પસમાં મોર્નિંગ વોક માટે આવતા ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, વિવિધ ક્લબોના સભ્યો અને વોકિંગ ગ્રુપના સભ્યોના મનમાં રહેલું સ્વચ્છ, હરિયાળું અને સુંદર કેમ્પસ બનાવવાનું સ્વપ્ન આ અભિયાન દ્વારા સાકાર થતું જોવા મળ્યું હતું.
આ પ્રસંગે મેયર ઉષાબેન તલરેજા, મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન. કે. મીના, યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત રામાનુજ, સ્વચ્છ ભારત મિશનના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, કોર્પોરેટરો, ફાયર વિભાગના જવાનો, યુનિવર્સિટી સ્ટાફ અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુનિસિપલ કમિશનર ડૉ. એન. કે. મીના, ડૉ. તેજસ દોશી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા ફાલ્ગુન શાહના માર્ગદર્શન હેઠળ, સંપન્ન થયેલું આ અભિયાન માત્ર સફાઈ પૂરતું મર્યાદિત ન રહી, પરંતુ પ્લાસ્ટિકમુક્ત જીવનશૈલી, પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિનો અસરકારક સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં પણ સફળ રહ્યું હતું. આ અભિયાન સ્વચ્છ અને હરિયાળા ભાવનગરના નિર્માણ માટે પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA