
અમદાવાદ, 12 જૂન (હિ.સ.) : અમદાવાદના ઈસનપુરમાં આજે 12 જૂને ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવોમાં ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવનો કબજો લેવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જેના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડમાં ઈસનપુર વિસ્તારમાં મોની હોટેલના ગલીમાં શાક માર્કેટ પાસે આંબા તળાવમાં મેગા ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી હતી. તળાવમાં રહેલા આશરે 160થી વધારે ગેરકાયદેસર બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તેના આધારે ફોર્મ ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. 26000 ચોરસ મીટર જગ્યા પરથી દબાણ હટાવાયા . મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવોની જગ્યા આવેલી છે. જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. જેથી દબાણો દૂર કરીને તળાવને ઊંડા કરવામાં આવનાર છે.
પૂર્વ વિસ્તારમાં ઇસનપુર મોની હોટલની ગલી પાસે આંબા તળાવ આવેલું છે. જેમાં 160થી વધારે નાના મોટા કાચા પાકા મકાનો બની ગયા હતા અને લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવા નોટિસ આપી મકાનો ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી હતી.
આજે 12 જૂને સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચથી વધારે જેસીબી અને હિટાચી મશીનો સાથે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. ઇસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. કોર્પોરેશન દ્વારા તમામ મકાનોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. 147 જેટલા કાચા પાકા મકાનો છે અને 14 કોમર્શિયલ આવેલા હતા. કોર્પોરેશન દ્વારા આજે આ તમામ મકાનોને દૂર કરીને આશરે 26000 ચોરસ મીટર જેટલી જગ્યા પરથી દબાણો હટાવાયા છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ