પાટણમાં પાણી સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાનું એક્શન પ્લાન
પાટણ, 12 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકાએ ઉનાળા અને આગામી ચોમાસા દરમિયાન પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ અને કારોબારી ચેરમેન નીલમભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પાણી અને વાલ્વ ઓપરેટ
પાટણમાં પાણી સમસ્યાના કાયમી ઉકેલ માટે પાલિકાનું એક્શન પ્લાન


પાટણ, 12 જૂન (હિ.સ.)પાટણ નગરપાલિકાએ ઉનાળા અને આગામી ચોમાસા દરમિયાન પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સમીક્ષા બેઠક યોજી હતી. નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ અને કારોબારી ચેરમેન નીલમભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં પાણી અને વાલ્વ ઓપરેટરો સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બેઠકમાં આગામી પાંચથી છ મહિનામાં શહેરના પાણી સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

બેઠક દરમિયાન વિવિધ વોર્ડના ઓપરેટરોએ મોટર બગડવી, લીકેજ, વાલ્વની ખામીઓ અને પાણી વિતરણની સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. પાણીની ટાંકી પર કબૂતરોના કારણે પાણી દૂષિત થવાની શક્યતા અટકાવવા જાળી લગાવવાની માંગ પણ કરવામાં આવી હતી. પાલિકા તંત્રે તમામ રજૂઆતો અને જરૂરિયાતોની વિગતવાર નોંધ લીધી હતી.

આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી-મોન્સૂન પ્લાનિંગ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પાઈપલાઈન રિપેરિંગ કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ અને તેમની સુરક્ષા માટે જરૂરી રક્ષણાત્મક સાધનો ઉપલબ્ધ કરાવવાની યોજના બનાવવામાં આવી છે. સાથે જ દરેક સ્થળે વધારાની મોટર ઉપલબ્ધ રાખવા અને વોટર વર્ક્સ વિભાગને અલગ સાધન ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી.

નગરપાલિકા તંત્રે પાણીના સમાન વિતરણ માટે કડક સૂચના આપી હતી. કોઈપણ રાજકીય અથવા વ્યક્તિગત ભલામણના આધારે વધુ કે ઓછું પાણી છોડવાની પ્રથા ચલાવવામાં આવશે નહીં. જો આવા દબાણ અથવા ગેરરીતિની જાણ થશે તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને પાણી વિતરણ વ્યવસ્થા પર સતત નજર રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande