

પોરબંદર, 12 જૂન (હિ.સ.) પોરબંદર જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે નાગરિકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે ‘ઓબેસિટી અવેરનેસ પ્રોગ્રામ’ (મેદસ્વીતા જાગૃતિ અભિયાન)નું કાયમી ધોરણે આયોજન કરવામાં આવ્યું છે.
“ફિટનેસ એ જ સફળતાની ચાવી છે” (Fitness is the Key to Success)ના સૂત્ર સાથે શરૂ કરાયેલા આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોના શરીરમાં ચરબી અને સ્નાયુઓની સ્થિતિ જાણવા માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.
આ કેન્દ્ર પર અત્યાધુનિક બોડી કમ્પોઝિશન મોનિટર (HBF-702T) મશીન સ્થાપિત કરવામાં આવ્યું છે, જે ડિજિટલ સિસ્ટમ અને કમ્પ્યુટર સાથે જોડાયેલું છે.આ મશીન દ્વારા નાગરિકો સરળતાથી 10 સ્ટેપ્સની પ્રક્રિયા પૂર્ણ કરીને અને ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાના વિસેરલ ફેટ લેવલ, બોડી માસ ઈન્ડેક્સ (BMI), સ્કેલેટલ મસલ, બોડી ફેટ પર્સન્ટેજ તેમજ રેસ્ટિંગ મેટાબોલિઝમ જેવા મહત્વપૂર્ણ શારીરિક માપદંડોની સચોટ માહિતી મેળવી શકે છે. પરીક્ષણનો રિપોર્ટ સીધો નાગરિકોના મોબાઇલ પર ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેથી તેઓ એક મહિના બાદ ફરીથી ટેસ્ટ કરાવી પોતાની ફિટનેસમાં થયેલા સુધારાને ટ્રેક કરી શકે.
આ જાગૃતિ અભિયાન અંતર્ગત તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેમાં રોજિંદા જીવનમાં નિયમિત કસરત અને યોગનો સમાવેશ કરવા, ફાઈબર અને પ્રોટીનયુક્ત આહાર લેવા, લીલા શાકભાજી તથા વિવિધ ફળોનું વધુ સેવન કરવા અને પૂરતી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે
આ સાથે જ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતી આદતો અને ખોરાકથી દૂર રહેવા પણ અપીલ કરવામાં આવી છે. તબીબોએ ખાંડ અને મીઠાનું પ્રમાણ ઘટાડવા, તળેલા તથા પ્રોસેસ્ડ ફૂડનો ત્યાગ કરવા, ઠંડા પીણાં અને કૃત્રિમ ગળપણવાળા પીણાંથી દૂર રહેવા તેમજ કોઈપણ પ્રકારના વ્યસનનો ત્યાગ કરવા જેવી જન જાગૃતિની બાબતો બેનર દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે
તબીબોએ લોકોને લાંબા સમય સુધી એક જ જગ્યાએ બેસી રહેવાનું ટાળવા અને પોતાનો BMI 18 થી 24 ની આદર્શ મર્યાદામાં જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. અને મેડિકલ કોલેજની આ અનોખી પહેલનો લાભ મેડિકલ કોલેજની મુલાકાતે આવતા નાગરિકો મોટી સંખ્યામાં લઈ રહ્યા છે અને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બની રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya