છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા રૂ.3.21 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો જાહેરમાં નાશ કરાયો
છોટાઉદેપુર, 12 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન પ્રોહિબિશનના વિવિધ કેસો હેઠળ જપ્ત કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાનો નામદાર કોર્ટની મંજૂરી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેર
દારૂનો નાશ


છોટાઉદેપુર, 12 જૂન (હિ.સ.) : છોટાઉદેપુર જિલ્લા પોલીસ પ્રશાસન દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન પ્રોહિબિશનના વિવિધ કેસો હેઠળ જપ્ત કરવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના મોટા જથ્થાનો નામદાર કોર્ટની મંજૂરી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જાહેરમાં નાશ કરવામાં આવ્યો છે. નાશ કરાયેલા મુદ્દામાલની કુલ બજાર કિંમત ₹૩,૨૧,૧૬,૫૬૫/- (ત્રણ કરોડ એકવીસ લાખ સોળ હજાર પાંચસો પાસઠ) જેટલી થવા જાય છે.

પાવીજેતપુર તાલુકાના કરાલી ખાતે છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ₹૩.૨૧ કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂ અને બિયરના જથ્થાનો જાહેરમાં નાશ કરાયો હતો. જિલ્લાના કુલ ૧૧ પોલીસ સ્ટેશનો જેવા કે કરાલી, જેતપુરપાવી, કદવાલ, છોટાઉદેપુર, ઝોઝ, રંગપુર, પાનવડ, કવાંટ, બોડેલી, સંખેડા અને નસવાડી ખાતે નોંધાયેલા કુલ ૪૧૨ જેટલા પ્રોહિબિશનના ગુનાઓમાં આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી વિદેશી દારૂની બોટલો અને બિયર મળી કુલ ૧,૩૩,૦૫૬ નંગ મુદ્દામાલ શામેલ હતો.

આ તમામ મુદ્દામાલનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી કાયદેસરની પરવાનગી મેળવવામાં આવી હતી. ત્યારબાદ કરાલી પોલીસ સ્ટેશનની સામે આવેલી ખુલ્લી જગ્યામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ તમામ દારૂ અને બિયરના જથ્થા પર રોલર ફેરવીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. છોટાઉદેપુર પોલીસની આ નશામુક્તિ અને કાયદાકીય કડક કાર્યવાહીની સ્થાનિક સ્તરે ભારે પ્રશંસા થઈ રહી છે.

--------------

હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ


 rajesh pande