

પાટણ, 12 જૂન (હિ.સ.)પાટણ શહેરના વોર્ડ નં. 2માં આવેલા ગુર્જરવાડા, લાટીવાળા મહોલ્લા, સોલારાની પોળ અને મુલ્લારાવ સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીમાં ગંદુ અને દૂષિત પાણી આવવાની સમસ્યા સર્જાઈ છે. આ મુદ્દે સ્થાનિક મહિલાઓએ નગરપાલિકા કચેરીએ પહોંચીને કારોબારી ચેરમેન નીલમભાઈ પટેલને રજૂઆત કરી હતી.
મહિલાઓના જણાવ્યા મુજબ ગુર્જરવાડાની સામે આવેલા ગલ્મેની લાઠી તેમજ મોટીસરા અને નાનીસરા જેવા વિસ્તારોમાં પણ નળ વાટે ગંદુ પાણી આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
નગરપાલિકાના કારોબારી ચેરમેન નીલમભાઈ પટેલે મહિલાઓને આશ્વાસન આપતાં જણાવ્યું કે આવતીકાલે ટેકનિકલ ટીમને સ્થળ પર મોકલી પાણીની લાઇનમાં સર્જાયેલી ખામીની તપાસ કરવામાં આવશે. તેમણે દૂષિત પાણીની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ