
હિંમતનગર/અમદાવાદ, 12 જૂન (હિ.સ.) : સાબરકાંઠાના ત્રણ વર્ષ અગાઉ અકબર સાની હત્યા કેસમાં હિંમતનગર સેશન્સ કોર્ટે બે આરોપીને ફાંસીની સજા આપી ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ઇલોલ ગામમાં માર્ચ 2023માં હેર કટિંગ વ્યવસાયી અકબર સાનીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી.
અકબરે પોતાની દુકાનમાં કામ કરતા કારીગરોને દોઢ લાખ રૂપિયાનો માલ વેચ્યો હતો. અકબર સાની રકમની ઉઘરાણી માટે તે વારંવાર જતો હતો પરંતુ બહાના કાઢતા, આરોપીઓએ પૈસા આપવાના બહાને અકબરને ઈલોલ બોલાવ્યો હતો.
આરોપીઓએ અકબરને દુકાનમાં લઈ જઈ ક્રૂર રીતે હત્યા કરી હતી. હત્યા બાદ પુરાવા છુપાવવા માટે મૃતદેહને કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરી હતી.
હિંમતનગર સેશન્સ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને માન્ય રાખીને કોર્ટે બે આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. જ્યારે ત્રીજા આરોપીને હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવા બદલ સાત વર્ષની કેદની સજા ફટકારી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ