
- 150 જેટલી દીકરીઓએ લીધો લાભ
ગાંધીનગર, 12 જૂન (હિ.સ.) : ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓને શિક્ષણ અને કૌશલ્યના માધ્યમથી સશક્ત બનાવવાના ભાગરૂપે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. કિશોરીઓના ઉજ્જવળ ભવિષ્યને એક નવી દિશા આપવાના ઉમદા આશય સાથે આઈ.ટી.આઈ. ગાંધીનગર ખાતે એક વિશેષ વોકેશનલ વર્કશોપ અને કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આજના આધુનિક યુગમાં દીકરીઓ માત્ર પરંપરાગત શિક્ષણ પૂરતી સીમિત ન રહેતા, ટેકનિકલ અને કૌશલ્યલક્ષી શિક્ષણ મેળવીને પોતાના પગ પર ઊભી રહી શકે અને આત્મનિર્ભર બને તે માટે આ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિષયો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. વર્કશોપમાં ખાસ કરીને રોજગારલક્ષી ITI પ્રવેશ માર્ગદર્શન અંતર્ગત સંસ્થાના વિવિધ ટેકનિકલ કોર્સીસ, ભવિષ્યમાં ઉપલબ્ધ થનારી રોજગારી અને સ્વરોજગારની તકો તેમજ આગામી પ્રવેશ પ્રક્રિયા અંગે કિશોરીઓને ખૂબ જ સરળ અને વિગતવાર સમજણ પૂરી પાડવામાં આવી હતી. અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ સુધી વોકેશનલ તાલીમનો સીધો લાભ પહોંચે તે માટે આયોજિત આ વિશેષ વર્કશોપમાં સ્થાનિક વિસ્તારની આશરે 150 જેટલી કિશોરીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પોતાની કારકિર્દીને પ્રોત્સાહન પૂરું પાડતું માર્ગદર્શન મેળવ્યું હતું. ગ્રામ્ય સ્તરે દીકરીઓના કૌશલ્ય વર્ધનના આ મહત્વપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા માટે ‘પૂર્ણા કન્સલટન્ટ’ અને ‘ITI ગાંધીનગર’ની ટીમ દ્વારા પ્રશંસનીય જહેમત ઉઠાવવામાં આવી હતી. આ અનોખી પહેલને પગલે ગ્રામ્ય વિસ્તારની કિશોરીઓમાં ટેકનિકલ શિક્ષણ પ્રત્યે એક નવો આત્મવિશ્વાસ જોવા મળ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ