
સુરત, 12 જૂન (હિ.સ.) : જિલ્લા કલેક્ટર તેજસ પરમારે બારડોલી મામલતદાર કચેરી, સબ રજિસ્ટ્રાર કચેરી, જનસેવા કેન્દ્ર, ઈ-ધરા કેન્દ્રની મુલાકાત કરી હતી. ઈ-ધરા કેન્દ્રમાં જમીનને લગતા રેકર્ડ્સ અને ઓનલાઈન મ્યુટેશનની કામગીરી તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ઝડપી અને ક્ષતિરહિત થાય તે અંગે જરૂરી સૂચનો આપ્યા હતા. વહીવટી પારદર્શિતા અને સરકારી સેવાઓ લોકોને સમયસર મળી રહે તે માટે યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યા હતા. અરજદારોને જરૂરી પ્રમાણપત્રો, તમામ સરકારી સેવાઓ નિયત સમયમર્યાદામાં મળી રહે તે માટે હાજર અધિકારીઓ અને કર્મચારીઓને કલેકટરએ તાકીદ કરી હતી. તેમણે ધામડોદ-લુંભા ગામે જિલ્લા શિક્ષણ સમિતિ-સુરત સંચાલિત ધામડોદ-લુંભા પ્રાથમિક શાળાની પણ મુલાકાત લઈ શાળામાં આવતા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપલબ્ધ શૈક્ષણિક સુવિધાઓ વિષે જાણકારી મેળવી હતી.
ઉપરાંત, આંગણવાડી, આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ ડોક્યુમેન્ટસની ચકાસણી કરી હતી. ગામમાં પાત્રતા ધરાવતા ગંગાસ્વરૂપા બહેનો, વૃદ્ધ પેન્શન યોજનાના લાભાર્થીઓ લાભસહાય મેળવવામાં વંચિત ન રહી જાય તેની કાળજી લેવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ કર્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે