


પોરબંદર, 12 જૂન (હિ.સ.)પોરબંદર જિલ્લામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના વેપાર અને હેરાફેરીમાં સંડોવાયેલા ત્રણ શખ્સો સામે જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા (P.A.S.A.) હેઠળ હુકમ કરવામાં આવતા ત્રણેય આરોપીઓને અલગ-અલગ જેલોમાં મોકલી આપવામાં આવ્યા છે.પોલીસે જણાવ્યું હતું કે રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલા અમીન જુસબભાઈ પઢીયાર (ઉ.વ. 39), રહે. રાણાવાવ સામે અગાઉ નોંધાયેલા પ્રોહિબિશનના ગુનાના આધારે પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે દરખાસ્ત મંજૂર કરતા અમીન પઢીયારને સુરત જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત બગવદર પોલીસ મથક વિસ્તારમાં રૂ. 74.68 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીના ગુનામાં સંડોવાયેલા રવિ ભોજાભાઈ કણેત (ઉ.વ. 23) અને રાજુ નાથાભાઈ વેસરા (ઉ.વ. 31) સામે પણ પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ રવિ કણેતને વડોદરા જેલ અને રાજુ વેસરાને અમદાવાદ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.આ સમગ્ર કાર્યવાહી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. એલસીબી તથા બગવદર અને રાણાવાવ પોલીસની ટીમે પાસાની દરખાસ્ત તૈયાર કરી સફળતાપૂર્વક કાર્યવાહી પૂર્ણ કરી હતી.પોરબંદર જિલ્લામાં દારૂના ગેરકાયદેસર વેપાર અને હેરાફેરી સામે પોલીસ દ્વારા સતત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર શાંતિ અને કાયદો-વ્યવસ્થા ભંગ કરનારા તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya