

- ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો, એન.એચ.એ.આઈ ની કામગીરી સામે ઉઠ્યા સવાલો
છોટાઉદેપુર , 12 જૂન (હિ.સ.) : પાવીજેતપુર-છોટાઉદેપુર નેશનલ હાઇવે પર પાવી ગામ નજીક એક વૃક્ષની તોતિંગ ડાળી અચાનક તૂટી પડી જતાં વાહનચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા આ મહત્વના માર્ગ પર ઘટનાના પગલે થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, માર્ગની બાજુમાં આવેલા જૂના વૃક્ષની વિશાળ ડાળી અચાનક તૂટી પડતાં હાઇવેનો એક ભાગ અવરોધાઈ ગયો હતો. સદનસીબે ઘટના સમયે કોઈ વાહન સીધું ડાળીની ઝપેટમાં આવ્યું ન હોવાથી જાનહાનિ કે ઇજા ટળી હતી. જોકે ઘટનાને પગલે વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, ચોમાસા પૂર્વે હાઇવે પર આવેલા વૃક્ષોની નડતરરૂપ અને જોખમી ડાળીઓ કાપવાની કામગીરી નિયમિત રીતે થવી જોઈએ. પરંતુ પાવી ગામ પાસે થયેલી ઘટનાએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં આવી છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.
વાહનચાલકોમાં એવી પણ ચર્ચા જોવા મળી હતી કે જો આવી નબળી અને ભારે ડાળી કોઈ વાહન અથવા રાહદારી પર તૂટી પડી હોત તો ગંભીર જાનહાનિ સર્જાઈ શકતી હતી. આવી સ્થિતિમાં જવાબદારી કોની રહેશે તે અંગે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર દ્વારા તૂટી પડેલી ડાળીને માર્ગ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેના કારણે થોડા સમય બાદ વાહનવ્યવહાર પૂર્વવત્ થયો હતો. જોકે હાઇવે પર આવેલા જોખમી વૃક્ષો અને નબળી ડાળીઓનું તાત્કાલિક સર્વેક્ષણ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ