
સુરત, 12 જૂન (હિ.સ.) : પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી ‘યોગ વિદ્યા’ને વિશ્વ ફલક ઉપર લાવી માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી સમગ્ર વિશ્વમાં તા.21 જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ સમગ્ર વિશ્વની સાથે સુરત જિલ્લામાં પણ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેના સુચારૂ આયોજન અર્થે જિલ્લા કલેકટર તેજસ પરમારના અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેકટરએ કહ્યું હતું કે, આ વર્ષે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સુરત મહાનગરપાલિકા તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 6.00 થી 8.00 વાગ્યા દરમિયાન યોજાશે. જેમાં મંત્રી, મેયર, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં યોગદિનનો કાર્યક્રમ યોજાશે. આ ઉપરાંત પાલિકાના વિવિધ કોમ્યુનિટી હોલ, બાગ-બગીચા મળી કુલ 47 સ્થળોએ, તાલુકાકક્ષાએ, નગરપાલિકા, ગ્રામ પંચાયતો, શાળાઓ, પોલીસ સ્ટેશનો, આરોગ્ય કેન્દ્રો, જેલ, વોર્ડકક્ષાએ બાગ બગીચાઓમાં યોગદિનના કાર્યક્રમો યોજાશે, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાઈને યોગાભ્યાસ કરે તેવો અનુરોધ કર્યો હતો.
જિલ્લા કલેકટરએ યોગ દિવસના તમામ કાર્યક્રમોના આયોજન અંગે સંબધિત અધિકારીઓને સૂચના આપી હતી. ખાસ કરીને તાલુકા કક્ષાએ આઈકોનિક સ્થળોએ યોગની ઉજવણી થાય અને એ સ્થળોએ પણ મોટી સંખ્યામાં લોકો જોડાય તે માટેનું આયોજન કરવા જણાવ્યું હતું. યોગદિનના ભાગરૂપે અગાઉ કોમન યોગ પ્રોટોકોલ હેઠળ જુદા જુદા સ્થળોએ યોગના કાર્યક્રમો યોજાશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકાબેન લાઠિયા તથા અન્ય અધિકારીઓ સહિત પ્રાંત અધિકારીઓ, મામતલતદારઓ ઓનલાઈન જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે