
સુરત, 12 જૂન (હિ.સ.) : સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી અને રહસ્યમય ઘટના સામે આવી છે. ઉત્રાણ પોલીસ સ્ટેશનની નજીક આવેલી ઓમકાર રેસિડેન્સી બહાર પાર્ક કરેલી વેગનઆર કારમાંથી પાંચ દિવસથી ગુમ 28 વર્ષીય યુવકની કોહવાયેલી લાશ મળી આવતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. કારમાંથી આવતી અસહ્ય દુર્ગંધને કારણે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો.
માહિતી મુજબ, ઓમકાર રેસિડેન્સી બહાર એક વેગનઆર કાર ઘણા દિવસોથી પાર્ક કરેલી હતી. મોડી રાત્રે આસપાસથી પસાર થતા લોકોને કારમાંથી ભારે દુર્ગંધ આવતાં શંકા ગઈ હતી. સ્થાનિકોએ કારની અંદર નજર કરતાં અંદર એક યુવકનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારબાદ કંટ્રોલ રૂમ મારફતે ઉત્રાણ પોલીસને જાણ કરવામાં આવી હતી.
સૂચના મળતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને કારનો દરવાજો ખોલીને મૃતદેહ બહાર કાઢ્યો હતો. મૃતદેહ સંપૂર્ણપણે કોહવાઈ ગયેલી હાલતમાં હોવાથી પ્રાથમિક અનુમાન મુજબ યુવકનું મોત બે-ત્રણ દિવસ અગાઉ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસ તપાસ દરમિયાન મૃતકની ઓળખ ઉત્રાણના હળપતિવાસ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરી તરીકે થઈ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ રવિ 6 જૂનથી ઘરેથી ગુમ હતો. પરિવાર દ્વારા તેની સતત શોધખોળ કરવામાં આવી રહી હતી, પરંતુ કોઈ માહિતી મળી નહોતી. પાંચ દિવસ બાદ પુત્રની આવી હાલતમાં લાશ મળતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મૃતદેહની હાલત અત્યંત ખરાબ હોવાથી મોતનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.
હાલ પોલીસે અકસ્માત, આત્મહત્યા કે હત્યા સહિત તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. આસપાસના CCTV ફૂટેજ, કોલ ડિટેઇલ્સ અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી ઘટનાના રહસ્ય પરથી પડદો ઉઠાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે