
અમદાવાદ,12 જૂન (હિ.સ.) : અમદાવાદના ચંડોળા તળાવના ગેરકાયદેસર દબાણ બાદ હવે ઇસનપુરમાં આંબા તળાવના ગેરકાયદે બાંધકામો તોડવાનું શરૂકરવામાં આવ્યું.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવોમાં ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવનો કબજો લેવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે.
આજે શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડમાં ઈસનપુર વિસ્તારમાં મોની હોટેલના ગલીમાં શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં મેગા ડીમ્યુલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી. તળાવમાં રહેલા આશરે 160 થી વધારે ગેરકાયદેસર બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તેના આધારે ફોર્મ ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવોની જગ્યા આવેલી છે જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે જેથી દબાણો દૂર કરીને તળાવને ઊંડા કરવામાં આવનાર છે.
પૂર્વ વિસ્તારમાં ઇસનપુર મોની હોટલની ગલી પાસે આંબા તળાવ આવેલું છે જેમાં 160થી વધારે નાના મોટા કાચા પાકા મકાનો બની ગયા હતા અને લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવાને લઈને નોટિસ આપી મકાનો ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી હતી.
આજે સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાંચથી વધારે જેસીબી અને હિટાચી મશીનો સાથે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા મેગા ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી છે ઇસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડીમુલેશનની શરૂઆત કરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા તમામ મકાનોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે 147 જેટલા કાચા પાકા મકાનો છે અને 14 કોમર્શિયલ આવેલા છે. કોર્પોરેશન દ્વારા આજે આ તમામ મકાનોને દૂર કરીને આશરે 26000 ચોરસ મીટર જેટલી જગ્યાને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા પાકા ઝુંપડાના મકાનો તોડી પાડવામાં આવ્યા છે મેડિકલ ટીમ અને ફાયર ની ટીમ પણ સ્થળ ઉપર રાખવામાં આવી છે જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા જોઈતી હોય તેઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીકના રેન બસેરામાં આશરો આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી વસવાટ કરતા નાગરિકો પોતાના પુરાવા આપશે તેમને કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ના મકાનો ફાળવી આપવા માટે ફોર્મ ભરાવીને તેની પણ પ્રક્રિયા કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ