
રાજપીપળા,12 જૂન (હિ.સ.) વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી રોજ હજારો પ્રવાસીઓ મુલાકાતે આવે છે. હમણાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં છેલ્લા કેટલાક સમયથી વન્યજીવોનો આતંક વધી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના ખલવાણી રિવર રાફ્ટિંગ સાઇટ પર એક દીપડો બિન્દાસ્ત લટાર મારતો કેમેરે કેદ થતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. જે પુલ પર દરરોજ હજારો પ્રવાસીઓની અવરજવર હોય છે, ત્યાં જ હિંસક દીપડાની હાજરીથી પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
નર્મદા જિલ્લામાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના ખલવાણી રિવર રાફ્ટિંગ સ્થળે બનેલા પુલ પર દીપડાની અવરજવરનો વીડિયો સામે આવતા તંત્ર દોડતું થયું છે. આ એ જ સ્થળ છે જ્યાં એડવેન્ચરના શોખીન પ્રવાસીઓનો મેળો જામતો હોય છે. અગાઉ પણ જંગલ સફારી પાર્ક જેવા હાઈ-સિક્યોરિટી ઝોનમાં દીપડો ઘૂસી ગયો હતો.
વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા વારંવારની આવી ઘટનાઓ છતાં કોઈ કાયમી નિકાલ કે કડક સુરક્ષા વ્યવસ્થા ન ગોઠવાતા પ્રવાસીઓના જીવ પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે.
દીપડાનો આ ત્રાસ માત્ર પ્રવાસન વિસ્તારો પૂરતો સીમિત નથી રહ્યો. નર્મદા જિલ્લાના તિલકવાડા, સાગબારા અને નાંદોદ તાલુકાના સિશોદ્રા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ દીપડા અવારનવાર દેખાતા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
વન્યજીવો રહેણાંક વિસ્તારો તરફ વળતા ખેડૂતો અને ગ્રામજનો હવે ખેતરે જતા પણ ડરી રહ્યા છે.
હાલ સમગ્ર નર્મદા જિલ્લામાં દીપડાના આતંકને કારણે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. સ્થાનિકોની માગ છે કે પ્રવાસીઓની સુરક્ષા અને ગ્રામજનોના જાનમાલના રક્ષણ માટે વન વિભાગ તાત્કાલિક અસરથી પાંજરા મૂકીને આ હિંસક દીપડાઓને પાંજરે પૂરે, જેથી ભવિષ્યમાં થનારી કોઈ મોટી હોનારત કે માનવ-મૃત્યુને રોકી શકાય.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ