
- ન્યૂ મેન્ટલ કેમ્પસમાં હોસ્પિટલ, 510 યુનિટની PG હોસ્ટેલ અને અદ્યતન ફૂડ-ડ્રગ્સ લેબોરેટરીનું થશે નિર્માણ.
અમદાવાદ, 12 જૂન (હિ.સ.) : અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. મેઘાણીનગર વિસ્તારમાં સિવિલ હોસ્પિટલની મેસ પર 12 જૂન 2025ના AI171 ફ્લાઈટ પ્લેન ક્રેશને 1 વર્ષ થતાં સાઇટ પર પર રૂપાણીની તસવીર મૂકી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.
આ દુર્ઘટનાની સ્મૃતિ વચ્ચે રાજ્ય સરકારે દુર્ઘટનાગ્રસ્ત બનેલા ન્યૂ મેન્ટલ કેમ્પસને આધુનિક આરોગ્ય અને શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવાનો મહત્ત્વાકાંક્ષી નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું છે કે, દુર્ઘટનાના ઊંડા ઘાઓને હવે 'આરોગ્ય મંદિર' અને 'શિક્ષણ મંદિર'ના સંકલ્પમાં ફેરવીને કેમ્પસનો કાયાકલ્પ કરવામાં આવશે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ન્યૂ મેન્ટલ કેમ્પસમાં ગત વર્ષે થયેલી વિમાન દુર્ઘટનાને કારણે નુકસાન પામેલી તમામ જૂની ઇમારતોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. તેના સ્થાને રાજ્ય સરકાર દ્વારા 547 કરોડથી વધુના તોતિંગ ખર્ચે આરોગ્ય, સંશોધન અને મેડિકલ શિક્ષણ ક્ષેત્રના અત્યાધુનિક પ્રોજેક્ટ્સ ઊભા કરવામાં આવશે.
આરોગ્ય મંત્રી પાનશેરીયાએ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ દિવંગત મુસાફરો અને નાગરિકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં ઉમેર્યું કે, આપત્તિના સમયે સરકારે તાત્કાલિક રહેઠાણ અને ભોજનની વ્યવસ્થા કરી હતી, પરંતુ હવે આ સમગ્ર વિસ્તારને વિશ્વસ્તરીય નવી ઓળખ આપવામાં આવશે.
પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ સહિતનું સંકુલ કેમ્પસમાં પેરાપ્લેજિયા અને સ્પાઈન હોસ્પિટલ (કમરથી નીચેના ભાગના લકવાગ્રસ્તોની હોસ્પિટલ), રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપી કોલેજ અને 500 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ પાછળ અંદાજે 295 કરોડનો ખર્ચ થશે અને 25 હજાર ચોરસ મીટર જેટલી જમીનનો ઉપયોગ થશે.
આરોગ્ય મંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આ તમામ પ્રોજેક્ટ્સના ટેન્ડરિંગ અને બાંધકામની પ્રક્રિયા આગામી દિવસોમાં ઝડપથી શરૂ કરી દેવાશે. તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ આ ન્યૂ મેન્ટલ કેમ્પસ માત્ર સામાન્ય હૉસ્પિટલ નહીં, પરંતુ તબીબી સંશોધન અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ગુજરાતનું એક મોટું અને ગૌરવપૂર્ણ કેન્દ્ર બની રહેશે. તેનાથી ભવિષ્યના ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને સામાન્ય જનતાને એક જ છત્ર નીચે આધુનિક સુવિધાઓ મળશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ