
થરાદ/અમદાવાદ, 12 જૂન (હિ.સ.) : વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના કૂવાણા ગામે આવેલા જેતડા-દિયોદર હાઈવે પર એક વ્યક્તિની ઘાતકી હત્યાની ઘટના સામે આવી છે. હાઈવે પર સ્થિત 'ભવાની પાર્લર એન્ડ ટી સ્ટોલ' ખાતે ત્રણ અજાણ્યા શખ્સોએ યુવાન પર ધારિયા, છરી અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો વડે તૂટી પડીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ધોળા દિવસે બનેલી આ ક્રૂર હત્યાની ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા થયા છે.
પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, કૂવાણા ગામના હાઈવે પર આવેલા પાર્લર પાસે એક યુવાન ઊભો હતો, ત્યારે અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ધારિયા, છરી અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સાથે ત્યાં ધસી આવ્યા હતા.
હુમલાખોરોએ કંઈ પણ વિચાર્યા વગર યુવાન પર ધારિયા વડે ઉપરાઉપરી ઘા ઝીંકવાનું શરૂ કરી દીધું હતું. હુમલો એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓ થવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હત્યાકાંડને અંજામ આપીને ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા.આ સમગ્ર લોહિયાળ ખેલ પાર્લરની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવક અને હુમલાખોરો બંને સ્થાનિક નથી, પરંતુ બહારના વિસ્તારના હોવાનું અનુમાન છે. જોકે, આ અજાણ્યા યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી તેનું રહસ્ય હજુ અકબંધ છે.
ધોળા દિવસે હત્યાની ગંભીર ઘટનાની જાણ થતાં જ વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા,દિયોદર ડીવાયએસપી અને પીઆઇ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે પરિસ્થિતિનો તાગ મેળવીને ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. મૃતક અજાણ્યા યુવકની લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
દિયોદર પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, વાયરલ સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવા અને તેમને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.હત્યા પાછળ જૂની અદાવત છે કે અન્ય કોઈ અંગત કારણ, તે પોલીસ તપાસ અને આરોપીઓની ધરપકડ બાદ જ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે હાઈવે અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ શરૂ કર્યું છે.
સ્થળ પર પહોંચેલા વાવ થરાદ એસપી ચિંતન તેરૈયાએ કહ્યું કે લાખણી તાલુકાના કુવાણા ગામ ખાતે આજે એક ફાયરિંગ વિથ ખૂનનો બનાવ બનેલ છે. પોલીસને તાત્કાલિક માહિતી મળી એટલે બનાવ સ્થળે પહોંચી અને ઉપલબ્ધ CCTV કેમેરાના માધ્યમથી ગુનાની પ્રાથમિક તપાસ આદરી છે. જે આરોપીઓ છે એની ઓળખ કરવાની કામગીરી અને જે વિગતો મળી છે પ્રાથમિક એના આધારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી અને આરોપીઓ સુધી એના મૂળ સુધી પહોંચવા માટે અમારી લોકલ અને સ્થાનિક તમામ ટીમો એક્ટીવેટ થઈ છે. ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સથી ટૂંક સમયમાં અમે ગુનાનો ભેદ ઉકેલવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું એ તપાસનો વિષય છે. જે યુવકની હત્યા થઈ તેની ઓળખ શામળભાઈ ફોટાભાઈ ભીલ તરીકે થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ