
પાટણ, 20 જૂન (હિ.સ.)
પાટણમાં 29 જૂને ભગવાન જગન્નાથજીની પવિત્ર જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અષાઢી રથયાત્રા પૂર્વે યોજાતા આ પવિત્ર ઉત્સવમાં 108 મંગલ કળશોના જળથી ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવશે. આચાર્ય પિયુષભાઈએ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરી ભક્તોને દર્શનનો લાભ લેવા આમંત્રણ આપ્યું છે.
જળયાત્રા સવારે 8:00 વાગ્યે આનંદ સરોવર નજીક આવેલા ગણેશ મંદિરથી પ્રસ્થાન કરશે. ઢોલ-નગારા અને ભક્તિસંગીત સાથે યાત્રા નિર્ધારિત માર્ગ પરથી પસાર થઈ ભગવાન જગન્નાથના નિજ મંદિરે પહોંચશે. યાત્રા દ્વારા લાવવામાં આવેલા પવિત્ર જળમાં ચંદન, કેસર, સુગંધિત દ્રવ્યો અને ઔષધિઓ મિશ્રિત કરીને 108 મંગલ કળશ તૈયાર કરવામાં આવશે.
ત્યારબાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ભગવાન જગન્નાથજી, ભ્રાતા બલભદ્રજી અને ભગિની સુભદ્રાજીનો મહાઅભિષેક કરાશે. જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવાતી સ્નાનયાત્રા દરમિયાન ભગવાન ગર્ભગૃહમાંથી બહાર આવી સ્નાનવેદી પર બિરાજમાન થઈ ભક્તોને નજીકથી દર્શન આપશે. મહાઅભિષેક બાદ ભગવાન ગજ વેશ ધારણ કરી ભક્તોને વિશેષ દર્શન આપશે.
પરંપરા મુજબ સ્નાનયાત્રા પછી ભગવાન અનવસર લીલામાં પ્રવેશ કરે છે. 108 કળશોના શીતળ જળથી સ્નાન કરવાથી ભગવાનને જ્વર આવ્યો હોવાની ભાવના સાથે આગામી 15 દિવસ સુધી મંદિરના પટ બંધ રહેશે. આ દરમિયાન ભગવાનને જડીબુટ્ટીઓ અને સાદો ભોગ અર્પણ કરાશે. અનવસર લીલા પૂર્ણ થયા બાદ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન ભવ્ય રથયાત્રામાં નગરચર્યાએ નીકળશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ