
નવસારી, 23 જૂન (હિ.સ.) નવસારી જિલ્લાના તાળિયા પાટિયા કટ નજીક નેશનલ હાઈવે-48 પર મોડી રાત્રે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અમદાવાદથી મુંબઈ તરફ જતી એક આઇશર ટેમ્પો અચાનક સર્વિસ રોડ પરથી રોંગ સાઈડમાં મુખ્ય માર્ગ પર ચડી આવ્યો હતો. તે દરમિયાન સામેની દિશામાં આવી રહેલી સ્કોર્પિયો કાર સાથે તેની જોરદાર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.
ટક્કર એટલી પ્રચંડ હતી કે સ્કોર્પિયોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું. કારમાં સવાર અંદાજે 7થી 8 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઘાયલોને પ્રાથમિક સારવાર માટે પલસાણા તથા નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં વેસ્મા આઉટ પોસ્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ. એ. મોડ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રાહત કામગીરીમાં સહયોગ આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં ટેમ્પો રોંગ સાઈડમાં પ્રવેશવાને કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે, જ્યારે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે