
સુરત, 23 જૂન (હિ.સ.) સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસે ભરણપોષણ કેસમાં કોર્ટ દ્વારા સજા ફટકારાયેલા અને લાંબા સમયથી ફરાર રહેલા એક પતિની ધરપકડ કરી છે. પત્નીએ ભરણપોષણ ન મળતા કોર્ટનો આશરો લીધો હતો, જેના પગલે ફેમિલી કોર્ટે પતિને રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જોકે આરોપી કોર્ટના આદેશનું પાલન કર્યા વગર સતત સ્થળ બદલતો રહ્યો અને પોલીસથી બચવાનો પ્રયાસ કરતો હતો.
પકડાયેલ સંજય રાજુભાઈ બુધાણી સુરતની એક પેટ્રોલ પંપ પર નોકરી કરતો હોવાનું સામે આવ્યું છે. પત્ની સાથેના વિવાદ બાદ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટના હુકમ મુજબ ભરણપોષણ ચૂકવવાનું હોવા છતાં તેણે છેલ્લા નવ મહિનાથી કુલ રૂ. 81 હજારની રકમ જમા કરી નહોતી. અનેક તક અને ચેતવણીઓ છતાં રકમ ન ભરાતા કોર્ટએ તેની સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે રાંદેર પોલીસે તેના નિવાસસ્થાને દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. ફેમિલી કોર્ટે દર મહિને ભરણપોષણ ન ચૂકવવા બદલ અલગ-અલગ સજાનો હુકમ આપતા કુલ 270 દિવસની સાદી કેદ ફટકારી હતી. આ સજાથી બચવા માટે જ આરોપી છેલ્લા નવ મહિનાથી ફરાર ફરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે