
જામનગર, 23 જૂન (હિ.સ.) રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને જામનગર તાલુકાના હડમતિયા ક્લસ્ટર હેઠળની પસાયા તાલુકા શાળા, બેરાજા પ્રાથમિક શાળા તથા સપડા સરકારી માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન નવા શૈક્ષણિક સત્રમાં પ્રવેશ મેળવનાર કુલ 135 વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. પસાયા તાલુકા શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર ૭, બાલવાટિકાના 25 અને ધોરણ-1 ના 12 એમ કુલ 44 વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા. બેરાજા પ્રાથમિક શાળામાં આંગણવાડીના 5 , બાલવાટિકાના 21 અને ધોરણ-1 ના 21 એમ કુલ 47 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. જ્યારે સપડા સરકારી માધ્યમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માધ્યમિક અને પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર ધો.1 ના 19 અને ધો.8 ના 15 તથા આંગણવાડીના 2 , બાલવાટિકાના 8 મળી કુલ 44 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકારવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી, પરંતુ દરેક બાળકના જીવનમાં જ્ઞાનના નવા દ્વાર ખોલે છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે જેથી તેઓ ભવિષ્યમાં દેશના જવાબદાર અને સશક્ત નાગરિક બની શકે. આજે શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, ટેકનોલોજી પ્રત્યેની સમજ, નવીનતા અને જીવન કૌશલ્યોના વિકાસ પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. નવી પેઢી શિક્ષણના માધ્યમથી આત્મનિર્ભર બને અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપે તે સમયની જરૂરિયાત છે.બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળા અને પરિવાર બંનેની સમાન જવાબદારી છે. દરેક બાળક નિયમિત રીતે શાળાએ આવે, અભ્યાસ પ્રત્યે રસ કેળવે અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ રહે તે માટે વાલીઓએ પણ સક્રિય સહભાગી બનવું જોઈએ.શિક્ષણ એ વ્યક્તિ અને સમાજના વિકાસનો મજબૂત પાયો છે. રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા દરેક બાળકને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. રાજ્ય સરકાર કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે અને દીકરીઓને શિક્ષણની સમાન તથા પૂરતી તકો ઉપલબ્ધ કરાવવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. કન્યા કેળવણીના સંદેશને વધુ મજબૂત બનાવવા માટે મંત્રીએ શાળાની વિદ્યાર્થીનીઓને સન્માનની ઓઢણી અર્પણ કરી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે દીકરીઓના શિક્ષણ અને સશક્તિકરણ પ્રત્યે સકારાત્મક સંદેશ પ્રસર્યો હતો.કાર્યક્રમ દરમિયાન CET, જ્ઞાનસાધના અને નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવનાર તેમજ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહન પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.તમામ શાળાઓમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ વૃક્ષોનું વાવેતર કરી હરિયાળા અને સ્વચ્છ પર્યાવરણના નિર્માણ માટે સૌને પ્રેરિત કર્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt