
- 13461 વિદ્યાર્થીઓનો યાદીમાં સમાવેશ
- સરકારી 5% બેઠક પર JEE અને NEETના આધારે પ્રવેશ
અમદાવાદ,20 જૂન (હિ.સ.) રાજ્યમાં એલનજીનીયરિંગ અને ફાર્મસીના એડમિશન માટેની પ્રક્રિયા કરતી એસીપીસી દ્વારા રાજ્યની પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી વિદ્યાશાખા માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 15 જૂનના પૂર્ણ કરવામાં આવી હતી. જે બાદ હવે પ્રથમ વર્ષના ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી કોર્સ માટે એસીપીસી દ્વારા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પ્રથમ વર્ષ ડિગ્રી અને ડિપ્લોમા ફાર્મસી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ પણ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે 14 હજારથી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવ્યું હતું, જેમાંથી 13461 જેટલા વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 25 જૂન સુધી ચોઇસ ફિલિંગની તક આપવામાં આવી છે.
ટેક્નિકલ શિક્ષણ વિભાગ હેઠળની એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC) દ્વારા પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તમામ બોર્ડના પરિણામો જાહેર થઈ જતા વિદ્યાર્થીઓને વધુ સમય મળે તે માટે મેરીટ જાહેર કરવાની સાથે મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે કુલ 14,418 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી.
GUJCET અને બોર્ડ આધારિત મેરીટમાં 13,461 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 5,639 વિદ્યાર્થી અને 7,822 વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરાયો છે. નિયમ મુજબ સરકારી અને અનુદાનિત સંસ્થાઓની 95 ટકા તેમજ સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો પર GUJCET આધારિત પ્રવેશ આપવામાં આવશે. જ્યારે સરકારી સંસ્થાઓની 5 ટકા બેઠકો પર NEET/JEEના આધારે પ્રવેશ ફાળવવામાં આવશે.
વિદ્યાર્થીઓ પોતાનું મેરીટ નંબર એસીપીસીની વેબસાઇટ પર લોગિન કરીને ચકાસી શકશે.
પ્રવેશ પ્રક્રિયામાં રાજ્યની કુલ 160 ફાર્મસી સંસ્થાઓનો સમાવેશ થાય છે. તેમાં બી.ફાર્મની 122 સંસ્થાઓમાં કુલ 10,482 બેઠકો છે, જ્યારે ડી.ફાર્મની 38 સંસ્થાઓમાં 2,338 બેઠકો ઉપલબ્ધ છે. આમ બંને કોર્સ મળીને કુલ 12,820 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. તેમાંથી 7,558 સરકારી ક્વોટાની બેઠકો પર ACPC દ્વારા પ્રવેશ આપવામાં આવશે. જ્યારે 5,262 મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે સ્વનિર્ભર સંસ્થાઓ અલગથી કાર્યવાહી કરશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ