
છોટાઉદેપુર , 20 જૂન (હિ.સ.)છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે બેદરકારીના ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. બોડેલી તાલુકાના જબુગામ-ટીમ્બી વચ્ચે આવેલી મેરિયા નદીમાં વરસાદી પાણીનો પ્રવાહ હોવા છતાં કેટલાક ખેત મજૂરો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા હતા. લાંબો ફેરો બચાવવા માટે મજૂરોએ વહેતા પાણીમાંથી પસાર થવાનો જોખમી નિર્ણય લીધો હતો, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે બોડેલી પાસેથી પસાર થતી મેરિયા નદીમાં નવા નીર આવ્યા છે અને પાણીનો પ્રવાહ પણ વધ્યો છે. નદી કિનારાના ગામોના ખેડૂતો અને ખેત મજૂરોને પોતાના ખેતરોમાં જવા માટે લાંબો ફેરો ફરવો પડતો હોવાથી તેઓ જોખમ ખેડી સીધા નદીમાંથી પસાર થઈ રહ્યા છે.
બોડેલી નજીક જબુગામ અને ટીમ્બી ગામ વચ્ચે આવેલી મેરિયા નદીમાં વરસાદી પાણીનો સતત પ્રવાહ હોવા છતાં કેટલાક મજૂરો ખેતરમાં જવા અને પરત ફરવા માટે નદી પાર કરતા કેમેરામાં કેદ થયા હતા. વરસાદી મોસમ દરમિયાન નદી અને નાળાઓમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતો હોય છે, જેના કારણે આવી અવરજવર જીવલેણ સાબિત થઈ શકે છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સમય અને અંતર બચાવવા માટે મજૂરો આ જોખમ ઉઠાવી રહ્યા છે. પરંતુ પાણીનો પ્રવાહ વધુ થતાં કોઈ વ્યક્તિ તણાઈ જાય અથવા દુર્ઘટનાનો ભોગ બને તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. દર વર્ષે વરસાદી સિઝનમાં આવી બેદરકારીના કારણે અનેક અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે.
વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા પણ લોકોને નદી, નાળા અને કોઝવે પર પાણી વહેતું હોય ત્યારે તેને પાર ન કરવાની સતત અપીલ કરવામાં આવે છે. તેમ છતાં લોકો દ્વારા બેદરકારી દાખવવામાં આવતી હોવાથી ચિંતા વધી રહી છે.
મેરિયા નદીમાં વહેતા પાણી વચ્ચે જીવના જોખમે નદી પાર કરતા મજૂરોના આ દ્રશ્યો વરસાદી સિઝનમાં સાવચેતી અને જાગૃતિની તાતી જરૂરિયાત તરફ ઈશારો કરે છે. થોડો સમય બચાવવાની ઉતાવળ કોઈ મોટી દુર્ઘટનામાં ન ફેરવાય તે માટે લોકો સતર્ક રહે અને તંત્રની સૂચનાઓનું પાલન કરે તે અત્યંત જરૂરી બન્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અમિત શાહ