
બોટાદ, 20 જૂન (હિ.સ.) : ગઢડા તાલુકાના સપપર ગામ ખાતે શ્રી સપપર સેવા સહકારી મંડળી લિ.ની વર્ષ ૨૦૨૫-૨૬ની વાર્ષિક સાધારણ સભા શનિવારે મંડળીના પ્રમુખ હિરા ગોડજીભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં સભાસદો, આગેવાનો અને સહકારી ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા સહકારી અગ્રણી તથા એપીએમસી ગઢડાના પૂર્વ ચેરમેન કિરીટભાઈ હુંબલ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે સહકારી ક્ષેત્રના વિકાસમાં ગ્રામ્ય મંડળીઓની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ખેડૂતો અને સભાસદોના હિત માટે મંડળીઓએ પારદર્શકતા અને સેવાભાવ સાથે કાર્ય કરવાનું મહત્વ પણ સમજાવ્યું હતું.
સભામાં તાલુકાના અગ્રણી પ્રભાતભાઈ બોરીચા (પૂર્વ નગરપતિ, ગઢડા), મેઘાભાઈ મારુ (ઉપપ્રમુખ, મધુસુદન ડેરી, બોટાદ), ભગવાનભાઈ લિંબડીયા (પ્રમુખ, ભીમડાદ સેવા સહકારી મંડળી લિ.) તેમજ પ્રવિણભાઈ હુંબલ અને પંકજભાઈ સુમડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મંડળીના મંત્રી મનિષભાઈ નરેન્દ્રભાઈ ભટ્ટે વર્ષ દરમિયાન થયેલ કામગીરી, વિકાસલક્ષી પ્રવૃત્તિઓ તથા નાણાકીય હિસાબો સભા સમક્ષ રજૂ કર્યા હતા. સભાસદોએ હિસાબોને મંજૂરી આપી મંડળીના કાર્ય પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ આગામી વર્ષ માટે વિવિધ વિકાસલક્ષી સૂચનો અને યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મંડળીની વ્યવસ્થાપક કમિટીના સભ્યો શાંતિભાઈ સોંદડી, રમેશભાઈ મેર, ભરતભાઈ મકવાણા, નરેશભાઈ મકવાણા, કુલદીપેશભાઈ મકવાણા, કુકાભાઈ મેર, વિજયભાઈ મકવાણા, અશોકભાઈ મકવાણા, હસમુખભાઈ મકવાણા, સચિનભાઈ મકવાણા, નયુભાઈ મકવાણા, શામજીભાઈ મકવાણા અને રામજીભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં સભાસદો હાજર રહ્યા હતા. સહકાર, એકતા અને વિકાસના સંદેશ સાથે યોજાયેલી આ વાર્ષિક સભા સફળ રહી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA