


પોરબંદર, 20 જૂન (હિ.સ.) : મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, પોરબંદર દ્વારા આજરોજ જાવર સ્થિત ધી સૌરાષ્ટ્ર સોલ્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ ખાતે સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ મીઠાના અગરિયાના કામદારો સાથે રૂબરૂ બેઠક યોજવામાં આવી હતી.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા અમલમાં રહેલી વિવિધ કલ્યાણકારી યોજનાઓ, કામદારોના હકો, શ્રમ કાયદાઓની જોગવાઈઓ તેમજ સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ લાભો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બાળમજૂરી વિરોધી અભિયાન અંતર્ગત બાળમજૂરી નિવારણ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ, બાળમજૂરીના સામાજિક અને કાનૂની દૂષ્પરિણામો તેમજ બાળમજૂરી મુક્ત સમાજના નિર્માણ માટે જરૂરી જનજાગૃતિ અંગે માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત કામદારો અને સ્થાનિક લોકોને બાળમજૂરી સામે સતર્ક રહેવા તથા કોઈપણ સ્થળે બાળમજૂરી જોવા મળે તો તેની જાણ સંબંધિત તંત્રને કરવા અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા શ્રમિકો તથા વિસ્તારના નાગરિકોમાં શ્રમ કાયદાઓ અને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ લાવવાનો મહત્વપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા સંચાલક દેવાભાઈ વાઢિયા તથા લેબર ઓફિસર ચિંતન ભટ્ટની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારો અને સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી માર્ગદર્શનનો લાભ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya