
ભાવનગર, 20 જૂન (હિ.સ.) ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા પ્રોહિબિશન હેઠળ મોટી કાર્યવાહી હાથ ધરતાં 19.42 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એલસીબીની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે સુરતથી મહુવા તરફ એક આઇસર વાહનમાં જરી (વેસ્ટ કચરો)ની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવાઈ રહ્યો છે.
બાતમીના આધારે એલસીબીની ટીમે બોરડા ગામ જવાના માર્ગ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબનું આઇસર વાહન મળી આવતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જરીના બાચકાઓની નીચે મોટી માત્રામાં વિદેશી દારૂ અને બિયરના ટીન છુપાવી રાખેલા મળી આવ્યા હતા. તમામ બોટલ અને બિયર પર “For Sale in U.T. of Dadra and Nagar Haveli and Daman and Diu Only” લખેલું જોવા મળ્યું હતું.
પોલીસે વાહનચાલક અર્જુન મથુરભાઈ સોલંકી ની ધરપકડ કરી હતી. જ્યારે વિવેક ઉર્ફે દીપક ગુજરીયા, ભાવેશ રણછોડભાઈ વાજા, ભાવેશ કરશનભાઈ સોલંકી અને રાજુ વાઘ સહિતના ચાર આરોપીઓ હજુ ફરાર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે કુલ 1,751 વિદેશી દારૂની બોટલો અને 1,872 બિયર ટીન કબજે કર્યા છે. જેમાં રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગ, ડી.એસ.પી. બ્લેક ડીલક્સ વ્હિસ્કી તેમજ કિંગફિશર સ્ટ્રોંગ બિયરનો સમાવેશ થાય છે. ઉપરાંત દારૂના પરિવહન માટે વપરાયેલ આઇસર ટ્રક અને બે મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મુદ્દામાલની કિંમત 19,42,206 હોવાનું પોલીસે જણાવ્યું છે. આરોપીઓ વિરુદ્ધ દાઠા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA